
સુરત સિવિલની ઘોર બેદરકારી.વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા.ઓપરેશનના દોઢ મહિના બાદ પણ વૃદ્ધને દેખાતું ન હોવાથી જ્યારે અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવી ત્યારે ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું.દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઉધના વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય મોતીલાલ ગઢવાલ નામના વૃદ્ધના મોતિયાના ઓપરેશનમાં થયેલી બેદરકારીએ તબીબી આલમમાં ખળભળાટ મચાવ્યો છે. ઓપરેશનના દોઢ મહિના બાદ પણ વૃદ્ધને દેખાતું ન હોવાથી જ્યારે અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવી ત્યારે ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું હતું.
મોતીલાલભાઈની પુત્રવધૂ આરતીબેનના જણાવ્યા અનુસાર, ૧૪મી નવેમ્બર, ૨૦૨૫ના રોજ જૂની સિવિલ હોસ્પિટલ (લાલીવાડી) ખાતે મોતીલાલભાઈની આંખનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના બે દિવસ બાદ પાટો ખોલ્યો ત્યારે મોતીલાલભાઈને કંઈ જ દેખાતું નહોતું. ડૉક્ટરે ‘ટીપાં નાખો, બધું ઠીક થઈ જશે‘ તેમ કહી ઘરે મોકલી દીધા હતા. જ્યારે પહેલી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જ્યારે પરિવાર તેમને નવી સિવિલની ર્ંઁડ્ઢમાં લઈ ગયો, ત્યારે ત્યાંના ડૉક્ટરોએ તપાસીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે, આંખમાં લેન્સ નાખવામાં જ આવ્યો નથી.
વૃદ્ધના પરિવારે આ ફરિયાદ લઈને ફરી જૂની સિવિલના ડૉક્ટરો પાસે પહોંચ્યો, ત્યારે ડૉક્ટરોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અજીબ બહાનું કાઢ્યું હતું. ડૉક્ટરે કહ્યું કે, ‘કાકાની ઉંમર થઈ ગઈ છે એટલે લેન્સ નીચે ઉતરી ગયો છે.‘ એટલું જ નહીં, ડૉક્ટરે ચશ્માના નંબર લખી આપીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. જાેકે, ચશ્માની દુકાને પણ તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે ઓપરેશન થયું છે પણ અંદર લેન્સ નથી.દર્દીના પરિવારે આ મામલે લેખિત રિપોર્ટ માંગ્યો હતો, પરંતુ હોસ્પિટલ તંત્રએ તે આપવાનો ઇન્કાર કરી દીધો હતો. અંતે પરિવારે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા ડૉક્ટરોએ મંગળવારે મળવા બોલાવ્યા છે. પરિવારનો આક્ષેપ કર્યો છે કે, તંત્રની આ બેદરકારીને કારણે મારા પરિવારના શભ્યને દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે. ડૉક્ટરો સત્ય છુપાવી રહ્યા છે. અમે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરીશું.
નોંધનીય છે કે,આ ઘટના બાદ એવી પણ શંકા સેવાઈ રહી છે કે ઓપરેશન કરનાર ડૉક્ટરોએ અન્ય દર્દીઓ સાથે પણ આવી બેદરકારી દાખવી હોઈ શકે છે.




