
બદ્રીનાથ મંદિરમાં દાન ચોરી SIT એ પૂર્વ કર્મચારી રાજેન્દ્ર ચૌહાણની કરી ધરપકડ રાજેન્દ્ર ચૌહાણને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે બદ્રીનાથ મંદિરમાંથી દાન ચોરીના કેસમાં SIT એ શુક્રવારે પૂર્વ કર્મચારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે. પૂર્વ કર્મચારી રાજેન્દ્ર ચૌહાણ CCTV ફૂટેજમાં ૨૨, ૨૫ અને ૨૯ જૂને પૈસાની ગણતરી કરતી વખતે પૈસાની ચોરી કરતા જાેવા મળ્યો હતો. બદ્રીનાથમાં SIT દ્વારા ૪ કલાકની લાંબી પૂછપરછ પછી પૂર્વ કર્મચારી રાજેન્દ્ર ચૌહાણની બપોરે ૩ વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. રાજેન્દ્ર ચૌહાણને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પહેલાં બદ્રીનાથ મંદિરમાં દાન વ્યવસ્થાપનમાં કથિત અનિયમિતતાઓ વચ્ચે મંદિર સમિતિના કોષાધ્યક્ષની બદલી કરી દેવામાં આવી હતી. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના મુખ્ય કાર્યપાલક અધિકારી સોહન સિંહ રાંગડેએ આ માહિતી આપતાં કહ્યું હતું કે, “એક તપાસ ટીમે અમને ડબલ-લોકમાં રાખેલી કેટલીક વસ્તુઓ, ખાસ કરીને ચાંદીની બનેલી વસ્તુઓ વિશે રિપોર્ટ આપ્યો હતો. તે સામાન અને રજિસ્ટરમાં કરેલી એન્ટ્રી વચ્ચે તફાવત હતો. રજિસ્ટરમાં નોંધેલી માત્રા ઓછી હતી, જ્યારે વાસ્તવમાં ત્યાં મળેલો સામાન વધુ હતો. પૂરી શક્યતા છે કે આ માનવીય ભૂલ હતી. જાે નોંધેલી માત્રા કરતાં ઓછી હોત તો હું કહેત કે તેમાંથી કેટલોક સામાન કાઢી લેવામાં આવ્યો છે.”
જાેકે, મુખ્ય કાર્યપાલક અધિકારી સોહન સિંહે કહ્યું કે, પવિત્ર સ્થળમાંથી મળેલી ધાતુઓ અને ઘરેણાં રજિસ્ટરમાં નોંધેલી એન્ટ્રી કરતાં વધુ હતાં, તેથી તેને ઓવરરાઈટ કરવામાં આવ્યું હોઈ શકે છે. કેસની ગંભીરતાને જાેતાં, ટ્રેઝરરની બદલી કરી દેવામાં આવી છે.BKTC ના સીઈઓએ એવા આરોપોનો પણ નકારી કાઢ્યા છે કે દાનમાં મળેલા લેપટોપ અને એમ્બ્યુલન્સ ગુમ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે અમારી પાસે ત્રણ એમ્બ્યુલન્સ હતી, જેમાંથી એકને ‘બેકાર’ જાહેર કરી ૨૦૧૬માં યોગ્ય પ્રક્રિયા અનુસરીને તેની હરાજી કરી દેવામાં આવી હતી. બીજી એમ્બ્યુલન્સ સત્તાવાર રીતે CMO રુદ્રપ્રયાગને સોંપી દેવામાં આવી અને ત્રીજી ઊખીમઠમાં છે. તેમણે કહ્યું કે દાનમાં મળેલા લેપટોપ કર્મચારીઓ વચ્ચે વહેંચી દેવામાં આવ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેઓ હજુ પણ કર્મચારીઓ પાસે જ છે.
આ દરમિયાન, શ્રી બદ્રીનાથ ધામમાં દાનના કથિત ગડબડની તપાસ માટે બનાવવામાં આવેલી વિભાગીય ટીમે પોતાની તપાસ પૂર્ણ કરી છે અને સીઈઓને રિપોર્ટ સોંપી દીધો છે. તપાસ અનુસાર, પ્રારંભિક પરિણામોમાં જાણવા મળ્યું છે કે ભક્તોના દ્વારા આપવામાં આવતા દાન અને કિંમતી વસ્તુઓની ચોરી એક વખત નહીં, પરંતુ અનેક વખત થઈ છે. સૂત્રો અનુસાર, ચાર સભ્યોની તપાસ ટીમે આખી ઘટના અને તપાસના પરિણામોની વિગત ૧૮ પાનાના રિપોર્ટમાં આપી છે.




