
સેહવાગ અને ગંભીર પણ નથી કરી શક્યા આવું ૮૦૦૦નો જાદુઈ આંકડો… રોહિત-કોહલીએ ઈંગ્લેન્ડમાં રચ્યો ઇતિહાસ બીજી વનડેમાં રોહિત શર્મા-વિરાટ કોહલીએ પાર્ટનરશીપમાં ૮,૦૦૦ રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ દરમિયાન, ભારતીય દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો. આ જાેડીએ ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ૮,૦૦૦ રનની પાર્ટનરશીપ પૂર્ણ કરી. વિરાટ અને રોહિત આ સિદ્ધિ મેળવનાર ત્રીજી જાેડી છે.
કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્માએ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી. આક્રમક રમત રમતા શુભમન ગિલે ૩૦ બોલમાં ૩૧ રન બનાવ્યા, જેમાં છ બાઉન્ડ્રી ફટકારી.
અનુભવી ઓપનર રોહિત શર્માએ ૪૭ બોલમાં ૨૬ રન બનાવ્યા, જેમાં એક ફોર અને એક સિક્સરનો સમાવેશ થાય છે. તે વિલ જેક્સની બોલિંગમાં જાેસ બટલરના હાથે કેચ આઉટ થયો.
આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે ૬૧ બોલમાં ૬૦ રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી. આ પાર્ટનરશીપ દરમિયાન, આ દિગ્ગજ જાેડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૮,૦૦૦ પાર્ટનરશીપ રનની ઐતિહાસિક સિદ્ધિ મેળવી. રોહિત અને કોહલી હવે સચિન-ગાંગુલી અને સચિન-દ્રવિડની જાેડી પછી આ સિદ્ધિ પર પહોંચનાર ત્રીજી ભારતીય જાેડી બની ગઈ છે. સૌથી વધુ પાર્ટનરશીપ રન ધરાવતી ભારતીય જાેડીમાં, સચિન-ગાંગુલી (૧૨,૪૦૦ રન) ટોચનું સ્થાન ધરાવે છે, ત્યારબાદ સચિન-દ્રવિડ (૧૧,૦૩૭ રન) બીજા સ્થાને છે.
તમામ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ પાર્ટનરશીપ રન
૧૨,૪૦૦ : તેંડુલકર – ગાંગુલી
૧૧,૦૩૭ : તેંડુલકર – દ્રવિડ
૮,૦૨૧ : રોહિત – કોહલી
૭,૬૨૬ : ગાંગુલી – દ્રવિડ
૭,૧૯૯ : સેહવાગ – ગંભીર
૯ ઇનિંગ્સમાં સાતમો ૫૦+ સ્કોર
શુભમન ગિલ અને રોહિત શર્માના આઉટ થયા પછી વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી. તેણે ૬૬ બોલમાં ૬૫ રનની ઇનિંગ્સ રમી, જેમાં ૮ ચોગ્ગા ફટકાર્યા. આ વિરાટનો તેની છેલ્લી નવ વનડે ઇનિંગ્સમાં સાતમો ૫૦+ સ્કોર છે. તેના સ્કોર ૭૪*, ૧૩૫, ૧૦૨, ૬૫*, ૯૩, ૨૩, ૧૨૪, ૫, અને ૬૫ છે.
ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો. મેચ શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો; વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ બીમારીને કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો.
ઈશાન કિશન તેની જગ્યાએ ટીમમાં સામેલ થયો. ઈંગ્લેન્ડે જાેશ ટંગ અને લિયામ ડોસનની જગ્યાએ સાકિબ મહમૂદ અને ગુસ એટકિન્સનને ટીમમાં સામેલ કર્યા.




