
ટ્રમ્પને પૂર્વ સંરક્ષણ મંત્રીએ બતાવ્યો અરિસો અમેરિકા ઈરાન સામેનું યુદ્ધ જીતી શકશે નહીં જાે અમેરિકાએ યુદ્ધ જીતવું હોય તો તેણે પોતાની જૂની વ્યૂહરચના બદલીને ઈરાનની આર્થિક ઘેરાબંધી કરવી પડશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે એક મોટો દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન સાથે ચાલી રહેલા જંગમાં માત્ર આકાશમાંથી બોમ્બમારો કરવાથી અમેરિકાને જીત નહીં મળે. જાે અમેરિકાએ આ યુદ્ધ જીતવું હોય, તો તેણે પોતાની જૂની વ્યૂહનીતિ તાત્કાલિક બદલવી પડશે.
માર્ક એસ્પરના જણાવ્યા અનુસાર, અમેરિકાએ હવે ઈરાન પર ચોતરફથી આર્થિક દબાણ વધારવું જાેઈએ, જેથી મજબૂરીમાં પણ તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખુલ્લો કરવો પડે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે અને આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ થવાની આશંકાથી આખી દુનિયા ચિંતામાં મુકાઈ ગઈ છે.
ટ્રમ્પ વહીવટીતંત્રમાં પેન્ટાગોનના વડા રહી ચૂકેલા માર્ક એસ્પરે સુરક્ષા નિષ્ણાતો સાથે વાતચીત કરતા સાફ કહ્યું કે, માત્ર બોમ્બમારો વધારવાથી ઈરાનની વ્યૂહનીતિ બદલાશે નહીં. ઈરાન આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પર પોતાનું નિયંત્રણ રાખવા માંગે છે અને તે માત્ર હવાઈ હુમલાથી પોતાનું વલણ બદલશે નહીં. જાે આપણે થોડા મહિના પહેલાની જેમ બોમ્બમારો તેજ કરીએ અને તેને લાંબા સમય સુધી ચાલુ રાખીએ, તો પણ કોઈ મોટો બદલાવ આવવાની આશા નથી.
માર્ક એસ્પરે વર્તમાન અમેરિકન વહીવટીતંત્ર સામે બે જ વિકલ્પો મૂક્યા છે. પહેલો વિકલ્પ પૂર્ણ સૈન્ય હુમલો છે અને બીજાે વિકલ્પ ઈરાનને આર્થિક રીતે એટલું નબળું પાડવાનો છે કે તેણે મજબૂરીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવું પડે. જાેકે, આર્થિક દબાણ લાવવા માટે સમય, ધીરજ અને આંતરરાષ્ટ્રીય સહયોગ ખૂબ જરૂરી છે. માત્ર પ્રતિબંધો લાદવાથી કામ નહીં ચાલે, તેને કડકાઈથી લાગુ કરવા પડશે.
આ વિવાદના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. દુનિયાનું આશરે ૨૦% ઓઇલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થાય છે, પરંતુ સંઘર્ષ શરૂ થયા પછી અહીંથી ઓઇલની અવર-જવર ખૂબ જ ઘટી ગઈ છે. જુલાઈની શરૂઆતથી અત્યાર સુધીમાં બ્રન્ટ ક્રૂડ ઓઇલની કિંમત ૧૬% વધીને બેરલ દીઠ આશરે ૮૫ ડોલર પર પહોંચી ગઈ છે. જાે આ જળમાર્ગ લાંબો સમય બંધ રહ્યો, તો ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલરથી ઉપર જઈ શકે છે, જેનાથી દુનિયામાં મોંઘવારીની નવી લહેર આવશે. ખુદ અમેરિકામાં પણ ક્રૂડ ઓઇલનો ભંડાર ૧૯૮૪ પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.




