
દિલ્હી હોટલ અગ્નિકાંડ બીમાર પિતાને મળવા આવ્યો હતો ગુરૂગ્રામના CA નો પરિવાર હોટલમાં આગ લાગી ત્યારે પરિવાર નાસ્તો કરી રહ્યો હતો : રોકાયેલા પરિવારના આઠ સભ્યોના મોત થયા બુધવારની સવારે દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં હોટલમાં લાગેલી આગમાં ૨૧ લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં ગુરૂગ્રામના એક પરિવારના ૮ લોકોના મોત સામેલ છે. સાઉથ દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં હૌઝ રાનીમાં બનેલ ફ્લોરિશ સ્ટે બેડ એન્ડ બ્રેકફાસ્ટ હોટલમાં CA વિવેક અગ્રવાલનો પરિવાર પણ અહીં રોકાયો હતો. બુધવારે સવારે જે સમયે હોટલમાં આગ લાગી ત્યારે પરિવાર નાસ્તો કરી રહ્યો હતો. અહીં રોકાયેલા પરિવારના આઠ સભ્યોના મોત થયા છે. આ ઘટના બાદ સેક્ટર ૪૬મા વિવેકના ઘર પર સન્નાટો છવાયેલો છે અને આસપાસ રહેતા લોકો પણ શોકમાં છે. વિવેક અગ્રવાલનો પરિવાર દિલ્હીની નજીક આવેલા ગુરૂગ્રામના સેક્ટર ૪૬મા રહેતો હતો. વિવેકના ૮૦ વર્ષીય પિતા આ સમયે મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. પરિવાર તેમના મળવા આવ્યો હતો અને હોસ્પિટલની પાસે આવેલી આ હોટલમાં રોકાયો હતો. વિવેકની સાથે તેની પત્ની તર્જની અગ્રવાલ, બે દીકરી જિવિશા અને વર્યા અને ૪ અન્ય સંબંધિઓ સાથે હતા. વિવેકે આ હોટલમાં બે રૂમ બુક કર્યાં હતા.
આ આગકાંડમાં પરિવાર અચાનક તબાહ થઈ ગયો છે. આ આઠ લોકોના મોત બાદ હવે પરિવારમાં વિવેકના પિતા ૮૦ વર્ષીય રાધે શ્યામ અગ્રવાલ જીવિત છે, જે મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. પરિવારમાં થયેલી આ દુર્ઘટનાના સમાચાર સાંભળી સંબંધિઓ તેના મૃત શરીરને લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ તંત્રએ કહ્યું કે જ્યાં સુધી ડીએનએ સેમ્પલ મેચ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સોંપવામાં આવશે નહીં.
માલવીય નગરમાં બનેલી આ પાંચ માળની હોટલમાં સવારે આશરે ૮.૩૦ કલાકે અચાનક આગ લાગી હતી. આગ ગણતરીની મિનિટોમાં બેકાબૂ થઈ ગઈ અને હોટલ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ ૨૧ લોકોના મોત થયા, જેમાં ૧૨ વિદેશી નાગરિક છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જે સમયે આ દુર્ઘટના થઈ ત્યારે હોટલમાં ૪૦થી વધુ લોકો હાજર હતા.
દિલ્હી પોલીસે જણાવ્યું કે આ હોટલમાં માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ હતો. હોટલની બારી સીલ હતી, જ્યારે હોટલનો મુખ્ય દરવાજાે સેન્સર ઓપરેટેડ હતો. તેવામાં અહીં ફસાયેલા લોકોને બહાર નીકળવા માટે સીમિત વિકલ્પ હતા. ઘણા લોકોએ બારીમાંથી કૂદકા મારી પોતાના જીવ બચાવ્યા હતા.



