
પાકિસ્તાનને મોટો ઝટકો કાશ્મીરમાં ભારત ૧૨૦ વર્ષ જૂનો પાવર પ્રોજેક્ટ ફરી શરૂ કરશે ૧૯૯૦ના દાયકાથી બંધ પડેલા ૧.૫ મેગાવોટ ક્ષમતાના આ પ્લાન્ટને ફરી શરૂ કરવા ટેન્ડર પ્રક્રિયા મંજૂર કરાઈ જમ્મુ-કાશ્મીર સરકારે એક ઐતિહાસિક ર્નિણય લેતાં ૧૨૦ વર્ષ જૂના મોહરા પાવર પ્રોજેક્ટને ફરીથી કાર્યરત કરવાની જાહેરાત કરી છે. એપ્રિલ ૨૦૨૫માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. જેના પગલે હવે કાશ્મીરમાં પડતર રહેલા હાઇડ્રો પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વિધાનસભામાં જણાવ્યું કે, ૧૯૯૦ના દાયકાથી બંધ પડેલા ૧.૫ મેગાવોટ ક્ષમતાના આ પ્લાન્ટને ફરી શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નવીનીકરણ અને આધુનિકીકરણ જમ્મુ-કાશ્મીર સ્ટેટ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં જેલમ નદીના કિનારે આવેલો આ પ્રોજેક્ટ ભારતનો સૌથી જૂનું હાઇડ્રો પાવર સ્ટેશન છે. જેની સ્થાપના: ૧૯૦૫માં થઈ હતી. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત ૧૦ કિલોમીટર લાંબી લાકડાની નહેર છે. જે પહાડોના કિનારે બનાવવામાં આવી હતી. તે સમયે ઓછા ખર્ચે પાણીને રામપુરથી મોહરા સુધી પહોંચાડવાનો આ એક અદ્ભુત કીમિયો હતો. તે સમયે આ પ્લાન્ટ માટે ખાસ ટર્બાઇન ચેકોસ્લોવાકિયાથી મંગાવવામાં આવ્યા હતા. ૧૯૯૨માં આવેલા વિનાશક પૂરને કારણે આ પ્રોજેક્ટને ભારે નુકસાન થયું હતું અને ત્યારબાદ તેનું સંચાલન સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું.
ભારત સરકાર હવે જેલમ અને અન્ય નદીઓના પાણીનો મહત્તમ ઉપયોગ કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ ફરી શરૂ થવાથી જેલમ નદીના પાણીનો ઉપયોગ ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે કરશે. જે પાકિસ્તાન તરફ જતાં પાણીના પ્રવાહ પર અસર કરશે. જમ્મુ-કાશ્મીર સરકારે ૨૦૩૫ સુધીમાં વીજ ઉત્પાદન ૩૫૪૦ મેગાવોટથી વધારીને ૧૧,૦૦૦ મેગાવોટ સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. પાકિસ્તાન હંમેશા ભારતના કિશનગંગા જેવા પ્રોજેક્ટ્સમાં અડંગા નાખતું આવ્યું છે, પરંતુ હવે ભારતે પોતાની નદીઓના ૧૦૦% પાણીનો ઉપયોગ કરવાની મક્કમતા દર્શાવી છે. નિષ્ણાતો માને છે કે ૧૦.૫ મેગાવોટની ક્ષમતા ભલે ઓછી હોય, પરંતુ આ ઐતિહાસિક પ્રોજેક્ટનું પુનરુત્થાન સાંસ્કૃતિક અને પ્રતીકાત્મક રીતે ખૂબ જ મહત્ત્વનું છે. આ પ્રોજેક્ટને અગાઉ હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે જાહેર કરવાનો પણ પ્રસ્તાવ હતો.




