
ડોનાલ્ડ ટ્રંપનું સંબોધન બીજા દેશ પણ થોડી હિંમત દેખાડે, જાતે જઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની રક્ષા કરે આ સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દેવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઈરાન યુદ્ધ મામલે સંબોધન કર્યું હતું જેમાં તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, તેલ અને યુદ્ધની આગળની નીતિ અંગે ચર્ચા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન ૨૦ મિનિટનું હતું જેમાં તેમણે એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે ઈરાન શીપિંગ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી નહીં ખોલે તો તેના પરમાણુ સંયંત્રો ઉપર હુમલો કરવામાં આવશે.
ભારતીય સમય અનુસાર સવારે ૬:૩૦ કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ એ દેશને સંબોધિત કર્યું હતું. એક મહિનાથી વધુ સમયથી ઈરાન પર અમેરિકા અને ઇઝરાઇલ સંયુક્ત હુમલા કરી રહ્યું છે. ત્યારે આજે કરેલા સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે સ્પષ્ટ વાત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી અમેરિકા કોઈ જ તેલ નથી લેતું. અમેરિકાને જરૂર પણ નથી પરંતુ જે દેશ હોર્મુઝથી તેલ ખરીદે છે તેઓ થોડી હિંમત દેખાડે અને જાતે જઈને હોર્મુઝની રક્ષા કરે.
ડોનાલ્ડ ટ્રમ્પ એ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે ઈરાન એ ખોટું કામ કર્યું છે તેથી તેને સજા મળી રહી છે. ટ્રમ્પ એ એવું પણ કહ્યું કે ઇઝરાયેલ સાથે જે ઓપરેશન એપીક ફ્યુરી શરૂ કરવામાં આવ્યું તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. ટ્રમ્પ એ આવનારા દિવસો અંગે પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઇરાન પર તીવ્ર હુમલા કરવામાં આવશે.
પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પ એ એ વાત ભાર મૂકીને કહી દીધી હતી કે ઈરાન સાથે કોઈ જ ડીલ થવાની નથી અને અમેરિકા ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શક્તિ બનવા નહીં દે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આજના સંબોધન પરથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આગામી બે થી ત્રણ અઠવાડિયા સુધી યુદ્ધ ચાલી શકે છે.
ઉલ્લેખનીય છે કે ઈરાન ઇઝરાઇલ અમેરિકા યુદ્ધની અસર ભારત પર દેખાવા લાગી છે. એલપીજી સપ્લાયથી લઈને પેટ્રોલ, ડીઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશના કેટલાક મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં પણ તેની અસર દેખાવા લાગી છે. મોંઘવારી ભારતમાં પણ વધી રહી છે. આજના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહી દીધું છે કે પડદા પાછળ વાતચીત ચાલી રહી છે તેમ છતાં આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઇરાન પર જાેરદાર હુમલા થવા જઈ રહ્યા છે. જરૂર પડશે તો અમેરિકા ઈરાનના તેલ ઠેકાણા પર પણ હુમલો કરી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકા પાસે દુનિયાની સૌથી મજબૂત સેના છે અને છેલ્લા ચાર અઠવાડિયાથી તેમની સેના યુદ્ધના મેદાનમાં નિર્ણાયક અને જબરદસ્ત જીત મેળવી રહી છે.




