
IAS અધિકારી સંતોષ વર્માનું વિવાદાસ્પદ નિવેદન.IAS અધિકારીની ટિપ્પણીથી વિવાદ, બ્રાહ્મણોમાં ભારે આક્રોશ.જ્યાં સુધી મારા દીકરાને કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી દાનમાં ન આપે અથવા તેની સાથે સંબંધ ન બને ત્યાં સુધી અનામત ચાલુ રહેવું જાેઈએ.મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત અજાક્સ (મધ્યપ્રદેશ અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારી અને કર્મચારી સંઘ) ના પ્રાંતીય અધિવેશન દરમિયાન નવનિયુક્ત પ્રાંતીય અધ્યક્ષ અને વરિષ્ઠ IAS અધિકારી સંતોષ વર્માના એક નિવેદનથી વિવાદ ઊભો થયો છે.
તેમણે એક એવું નિવેદન આપી દીધું જે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે અને બ્રાહ્મણ સમાજમાં આ નિવેદનને લઈને ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. તેમણે પોતાનું ભાષણ આપતા કહ્યું કે, ‘જ્યાં સુધી મારા દીકરાને કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી દાનમાં ન આપે અથવા તેની સાથે સંબંધ ન બને ત્યાં સુધી અનામત ચાલુ રહેવું જાેઈએ.‘અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના પ્રદેશ અધ્યક્ષ પુષ્પેન્દ્ર મિશ્રાએ આ ટિપ્પણીને દીકરીઓનું અપમાન ગણાવી હતી. તેમણે કહ્યું કે, ‘જ્યારે સરકાર ‘‘બેટી-બચાવો, બેટી-બઢાઓ‘‘ જેવા અભિયાનો પર ભાર મૂકી રહી છે ત્યારે એક વરિષ્ઠ અધિકારી દ્વારા આવી ભાષા માત્ર અમર્યાદિત જ નહીં પરંતુ સમગ્ર સમાજના ગૌરવને પણ ઠેસ પહોંચાડે છે.‘બ્રાહ્મણ સમાજનું કહેવું છે કે આ ટિપ્પણી અનામત ચર્ચાને વ્યક્તિગત સંબંધો સાથે જાેડીને ખોટી દિશામાં લઈ જનારી છે અને તેનાથી સમાજમાં બિનજરૂરી તણાવ વધે છે.
વીડિયો વાઈરલ થયા બાદ રાજ્યભરમાં આ નિવેદન પર ચર્ચા તેજ બની છે અને ઘણા સંગઠનોએ IAS અધિકારી પાસેથી સ્પષ્ટતા અને માફીની માગ કરી છે.આ મામલે બ્રાહ્મણ સમાજ ટૂંક સમયમાં ભોપાલમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરશે. સંગઠનના નેતાઓએ જણાવ્યું છે કે, જાે અધિકારી માફી નહીં માગે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.




