
તેહરાનમાં બેનર લગાવીને જાહેર કર્યો ઈરાદો ખૂનનો બદલો ખૂન, ઈરાનના નિશાના ઉપર ટ્રમ્પ પરિવારઈરાને તે બેનર પર ખૂનનો બદલો ખૂન લખેલું હતું અને ઉપર ટ્રમ્પના પરિવારના સભ્યોના ફોટા લાગેલા હતા અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ ભડક્યું છે. અમેરિકાની સેના સતત ઈરાનના વિવિધ શહેરો અને ઠેકાણાઓ પર બોમ્બમારો કરી રહી છે. તો બીજી તરફ ઈરાન પણ પલટવાર કરવામાં પાછળ નથી. ઈરાન પણ ખાડી દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે. પોતાના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેનેઈ અને રક્ષા મંત્રીના મોતનો ગુસ્સો પણ તેમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે. પોતાના આ જ ગુસ્સાને વ્યક્ત કરવા માટે શનિવારે તેહરાનમાં એક બેનર લગાવવામાં આવ્યું હતું, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના આખા પરિવારની તસવીરો અમેરિકી ધ્વજમાં લપેટેલા કફનની ઉપર જાેવા મળી રહી હતા.
સોશિયલ મીડિયા પર આ બેનરની તસવીરો વાયરલ થઈ ગઈ છે. બેનરના બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ હાઉસને સળગતી હાલતમાં દર્શાવવામાં આવ્યું હતું. તો ટ્રમ્પ, તેમની બીજી પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પાંચેય બાળકો ઇવાન્કા, ડોન જુનિયર, એરિક, ટિફની અને બેરોન ટ્રમ્પના ફોટા તે કફનની ઉપર દેખાડવામાં આવ્યા હતા. બેનર પર ફારસી ભાષામાં ખૂનનો બદલો ખૂન એવો નારો લખ્યો હતો.
અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષમાં આ બીજી વખત બન્યું છે, જ્યારે ઈરાને કોઈ બેનર દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિને ધમકી આપી હોય. આ પહેલા પણ ઈરાને તેહરાનના ઇન્કિલાબ સ્ક્વેર પર એક બેનર લગાવ્યું હતું, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિને એક શબપેટીમાં સૂતેલા દર્શાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઈરાન પોતાના ગુસ્સાને વ્યક્ત કરવા માટે લાંબા સમયથી બેનર રણનીતિનો ઉપયોગ કરતું આવ્યું છે. અમેરિકા સાથે યુદ્ધ શરૂ થયા પછી તેહરાનના વિવિધ વિસ્તારોમાં ઇસ્લામિક ક્રાંતિ સાથે જાેડાયેલા મોટા-મોટા બેનરો લગાવી રાખ્યા છે, જેથી લોકોને પ્રેરણા મળે અને તેઓ આ યુદ્ધમાં પોતાનો જીવ કુરબાન કરવા માટે આગળ આવે.
આ પહેલા ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે, તેમના પિતાની હત્યાનો ચોક્કસપણે બદલો લેવામાં આવશે અને તેના માટે જવાબદાર લોકો પોતાની પથારી પર શાંતિથી મરી શકશે નહીં.
મોજતબા ખામેનેઈએ પોતાની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું કે, આ બદલો અમારા દેશની માંગ છે અને તેને ચોક્કસપણે પૂરી કરવામાં આવશે. આ ગુનેગારો, જેમના નામ ઉપરથી નીચે સુધી બધા જાણે છે, તેઓ પોતાની પથારી પર શાંતિથી મરવાની અધૂરી ઈચ્છા લઈને પોતાની કબરોમાં જશે. તેમણે એ જાણી લેવું જાેઈએ કે આ મારી વ્યક્તિગત હાજરી કે અન્ય કોઈ અધિકારી પર ર્નિભર નથી.
મોજતબાની આ ધમકી બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ગુસ્સે છે. તેમણે ગયા અઠવાડિયે ન્યૂયોર્ક પોસ્ટ સાથે વાત કરતા કહ્યું કે, તેઓ લાંબા સમયથી ઈરાનની હિટ લિસ્ટમાં છે. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના અધિકારીઓને નિર્દેશ આપી ચૂક્યા છે કે જાે ઈરાન તેમની હત્યા કરવામાં સફળ થઈ જાય, તો ઈરાન પર એટલા બોમ્બ ફેંકવામાં આવે કે આખો દેશ ખંડેર બની જાય.




