
ખાડી યુદ્ધના ૭૮ દિવસ સુધી દેશમાં ઈંધણના ભાવમાં કોઈ વધારો થયો નહોતો પેટ્રોલ-ડીઝલ સસ્તાં રાખવા ઓઈલ કંપનીઓને ૧.૨૩ લાખ કરોડ ચૂકવાયાં સરકારી અધિકારીઓના જણાવ્યાં અનુસાર ઓઈલ કંપનીઓને હાલ રોજની રૂ. ૬૦૦-૭૦૦ કરોડની ખોટ થઈ રહી છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈંધણના ભાવો આસમાને આંબ્યા છે. વિશ્વના વિવિધ દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સહિતના ગેસના ભાવમાં કાં તો વધારો કરાયો છે, અથવા તો તેનું રેશનિંગ પણ શરૂ કરાયું છે. ભારતમાં પણ સરકારી માલિકીની ઓઈલ કંપનીઓએ તબક્કાવાર પેટ્રોલ, ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ. ૭.૫૦ જેટલો વધારો કર્યાે છે. આ ભાવ વધારા છતાં હજી પણ ઓઈલ કંપનીઓ ઈંધણના વેચાણ પર જંગી ખોટનો સામનો કરી રહી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, ફેબ્રુઆરીમાં ખાડી યુદ્ધ શરૂ થયું ત્યારથી ૭૮ દિવસ સુધી દેશમાં ઈંધણના ભાવો યથાવત્ જાળવી રાખવા માટે સરકારે ઓઈલ કંપનીઓને રૂ. ૧.૨૩ લાખ કરોડની સહાય પૂરી પાડી હતી.આ ઉપરાંત ફર્ટિલાઈઝરના ભાવને કાબૂમાં રાખવા માટે ફર્ટિલાઈઝર મંત્રીએ ફર્ટિલાઈઝરની સબસિડી વર્તમાન રૂ. ૧.૭૭ લાખ કરોડથી વધારી બમણી કરવાની રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અપાતાં સબસિડીવાળા ગેસ સિલિન્ડરની સંખ્યા નવથી ઘટાડીને ચાર કરી દીધી છે. ૨૦૧૬માં જ્યારે આ યોજના શરૂ કરી ત્યારે લાભાર્થીઓને વર્ષે સબસિડીવાળા ૧૨ ગેસ સિલિન્ડર અપાતાં હતાં, ત્યારબાદ તેની સંખ્યા ઘટાડીને નવ કરાઈ હતી, અને તાજેતરમાં જ તેની સંખ્યામાં ઘટાડી ચાર કરાઈ છે. સરકારના જણાવ્યાં અનુસાર એલપીજી આયાત કરવાના ખર્ચમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ૪૬ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. એલપીજીની સબસિડી પેટે સરકારે ૨૦૨૨થી અત્યાર સુધીમાં રૂ. ૫૨,૦૦૦ કરોડની ફાળવણી કરી છે. તાજેતરમાં ઘરેલુ અને કમર્શિયલ એમ બંને પ્રકારના એલપીજીની કિંમતમાં કરાયેલાં વધારા છતાં ૧૪.૨ કિલોગ્રામના દરેક એલપીજી સિલિન્ડર પર ઓઈલ માર્કેટિંગ કંપનીઓને રૂ. ૭૦૦ની ખોટ સહન કરવી પડે છે. આ ઉપરાંત પેટ્રોલના વેચાણ પર દર લિટરે રૂ. ૬ની તથા ડીઝલમાં લિટર દીઠ રૂ. ૩૦ની ખોટ ભોગવવી પડે છે. સરકારી અધિકારીઓના જણાવ્યાં અનુસાર ઓઈલ કંપનીઓને હાલ રોજની રૂ. ૬૦૦-૭૦૦ કરોડની ખોટ થઈ રહી છે.



