
બે વર્ષથી જેલમાં સબડતા હત્યાના આરોપીને જામીન.ટ્રાયલ વગર વ્યકિતને જેલમાં રાખવા તે સજા સમાન છે: સુપ્રીમ કોર્ટ.જામીનના નિયમો અને શરતોનો કોઈપણ ભંગ થશે તો ટ્રાયલ કોર્ટ અપીલકર્તાના જામીન રદ કરી શકશે.હત્યાના પ્રયાસના કેસમાં કોર્ટ ટ્રાયલ વગર બે વર્ષથી જેલમાં રહેલા એક વ્યક્તિને જામીન આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટમાં કોઇપણ પ્રકારની સુનાવણી વગર કોઇને કેદમાં રાખવાની રાખવાની બાબત એક પ્રકારે સજા સમાન છે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને પી વી વરાલેની બનેલી ખંડપીઠે પોતાના તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે પ્રદીપ કુમાર ઉર્ફે બાનુ પર ફેબ્રુઆરી ૨૦૨૪માં હત્યાનો પ્રયાસ સહિત વિવિધ ગુનાઓ માટે કેસ દાખલ કરાયો હતો, પરંતુ ફરિયાદ પક્ષે હજુ સુધી કેસ સાથે સંબંધિત ૨૩ સાક્ષીઓમાંથી એકની પણ પૂછપરછ કરી નથી.
ખંડપીઠે પ્રદીપ કુમારની જામીન અરજી ફગાવી દેતા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ૧૧ જુલાઈ ૨૦૨૫ના એક આદેશને રદ કર્યાે હતો. સર્વાેચ્ચ અદાલતે ૧૩ માર્ચના આદેશમાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે અપીલકર્તા સામેના આરોપોને સાબિત કરવા માટે ૨૩ સાક્ષીઓની તપાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ કોઈની પણ તપાસ કરાઈ નથી. આમ ટ્રાયલ પૂર્ણ થવામાં થોડો સમય લાગવાની શક્યતા છે. આરોપીની ધરપકડને લગભગ બે વર્ષ વીતી ગયા છે, પણ કોઈ ટ્રાયલ શરૂ થયો નથી અને તેનો કોઈ નિષ્કર્ષ પણ દેખાતો નથી. ટ્રાયલ ચલાવ્યા વગરની કેદ સજા સમાન છે. આ મામલાના તમામ પાસાંને ધ્યાનમાં રાખીને કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે અપીલકર્તાને વધુ અટકાયતમાં રાખવાની જરૂર નથી, તેથી જામીન આપી શકાય છે. જામીનની શરતો નક્કી કરતાં ખંડપીઠે જણાવ્યું હતું કે આરોપીએ ટ્રાયલ કોર્ટને જામીન બોન્ડ રજૂ કરવા પડશે અને ટ્રાયલ કોર્ટની અન્ય શરતો અને નિયમોનું પાલન કરવું પડશે. આરોપી આ કેસની હકીકતોથી વાકેફ કોઇપણ વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષી રીતે પ્રલોભન કે ધમકી આપી શકશે નહીં. જામીનના નિયમો અને શરતોનો કોઈપણ ભંગ થશે તો ટ્રાયલ કોર્ટ અપીલકર્તાના જામીન રદ કરી શકશે.




