
‘આઈએનએસ અરિદમન’ દુશ્મન દેશો માટે અદૃશ્ય ‘સાઇલેન્ટ કિલર’ બનશે નૌકાદળમાં પરમાણુ શક્તિથી સજ્જ સબમરીન ‘INS અરિદમન’ સામેલ ભારતના પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલ સબમરીન પ્રોજેક્ટ હેઠળ ‘આઈએનએસ અરિહંત’ પ્રથમ જહાજ હતું કોઈપણ રાષ્ટ્રની સુરક્ષા માટે સમુદ્ર પરનું પ્રભુત્વ અનિવાર્ય છે. ખાસ કરીને ભારત જેવા ત્રણ બાજુથી દરિયાથી ઘેરાયેલા દેશ માટે નૌકાદળની સબમરીન એક ‘સાઇલેન્ટ કિલર’ની ભૂમિકા ભજવે છે. સબમરીન માત્ર સરહદોની સુરક્ષા કરતી નથી કરતી, પરંતુ દુશ્મન દેશો માટે એક અદ્રશ્ય ભય પણ છે. પરમાણુ શક્તિથી સજ્જ સબમરીન ભારતની ‘ન્યુક્લિયર ટ્રાયડ’ (જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય સ્તરેથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) ને પૂર્ણ કરે છે.
આ દિશામાં આજે ભારતે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં નૌકાદળના એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ આયોજન દરમિયાન ભારતની સ્વદેશી પરમાણુ સબમરીન ‘આઈએનએસ અરિદમન’ને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. પરમાણુ શક્તિ અને બેલેસ્ટિક મિસાઈલથી સજ્જ દેશની આ ત્રીજી સબમરીન નૌકાદળમાં સામેલ થતા ભારતની સૈન્ય તાકાતમાં અનેકગણો વધારો થયો છે. સબમરીનને કમિશન કરતા પહેલા સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું છે: ‘‘શબ્દ નહીં શક્તિ છે, ‘અરિદમન’!’’‘અરિદમન’ સબમરીન ખાસ કેમ છે? કારણ કે પાણીની અંદર આશરે ૪૪ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી અરિદમનનું લોકેશન ટ્રેસ કરવું દુશ્મન માટે અત્યંત મુશ્કેલ છે. તે કે-૧૫ અને કે-૪ જેવી ઘાતક બેલેસ્ટિક મિસાઈલોથી સજ્જ છે. આ ત્રીજી એવી સબમરીન છે જે પરમાણુ ક્ષમતા ધરાવે છે, જેનાથી ભારતની પરમાણુ પ્રતિરોધક અને મારક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.આઈએનએસ અરિદમન કદ અને ક્ષમતાની દ્રષ્ટિએ અગાઉની બંને સબમરીન કરતા મોટી અને વધુ શક્તિશાળી છે. આ શ્રેણીની ચોથી સબમરીન હાલમાં સમુદ્રી પરીક્ષણના તબક્કે છે, જે આગામી વર્ષે નૌકાદળમાં સામેલ થઈ શકે છે.ભારતના પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલ સબમરીન પ્રોજેક્ટ હેઠળ ‘આઈએનએસ અરિહંત’ પ્રથમ જહાજ હતું, જેને ૨૦૧૬માં સામેલ કરાયું હતું. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૨૪માં ‘આઈએનએસ અરિઘાત’ ને કમિશન કરવામાં આવ્યું હતું. હવે ‘અરિદમન’ના આગમનથી ભારતની સમુદ્રી સરહદો વધુ સુરક્ષિત બની છે.




