
હિંદ મહાસાગરને લઈને ભારત માટે સેશેલ્સનું વિશેષ સ્થાન છે : મોદી અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું છે મોદીએ સેશેલ્સ દેશની સંસદને સંબોધન કર્યુ, સાથેજ નાનકડા એવા દેશમાં આવેલા બદલાવોને બિરદાવ્યા, ભારત-સેશેલ્સના ૫૦ વર્ષ જૂના સબંધોને પણ યાદ કર્યા પીએમ મોદી પોતાની ૩ દિવસની સેશેલ્સ યાત્રાએ પહોંચ્યા છે. રવિવારે તેમણે પોતાની યાત્રા દરમિયાન જણાવ્યું કે, નવી દિલ્હી એક એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે, જ્યાં આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે સુરક્ષા પણ સુનિશ્ચિત થાય અને ભાગીદારી કદ પર નહીં, પરંતુ પરસ્પર સન્માન અને વિશ્વાસ પર આધારિત હોય.
પીએમ મોદીએ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે, અમારું વિઝન હિંદ મહાસાગરને તકોનો મહાસાગર બનાવવાનું છે. અમારું માનવું છે કે, હિંદ મહાસાગર આપણું સહિયારું ઘર છે. તેની સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ આપણી સહિયારી જવાબદારી છે. આ જ ભાવના આપણા મહાસાગર વિઝનનો આધાર છે. આ સાથે જ પીએમએ સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી, જેમાં તેમણે ભારત-સેશેલ્સ વચ્ચેના જૂના સંબંધોનો ઉલ્લેખ કર્યો.
પીએમ મોદીએ માર્ચ ૨૦૨૫માં મહાસાગર વિઝન રજૂ કર્યું હતું, જે ભારતની વ્યાપક વૈશ્વિક દરિયાઈ નીતિ છે. જેનો અર્થ વિવિધ ક્ષેત્રોમાં સુરક્ષા અને વિકાસ માટે પરસ્પર અને ઓવરઓલ પ્રોગ્રેસ છે. આ ભારતના દરિયાઈ દ્રષ્ટિકોણને માત્ર સ્થાનિક હિંદ મહાસાગરના દાયરામાંથી બહાર કાઢીને વ્યાપક, વૈશ્વિક સ્તર સુધી લઈ જાય છે. પીએમ મોદીએ કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય નાના દેશો સાથે સંબંધો મજબૂત કરવા, દરિયાઈ ક્ષેત્રની જાણકારી વધારવી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો છે, જેથી ગ્લોબલ સાઉથને આગળ વધારી શકાય.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, મારી સેશેલ્સ મુલાકાતનો સંદેશ સ્પષ્ટ છે. ભારત એક એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે, જ્યાં આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે દરિયાઈ સુરક્ષા પણ નક્કી થાય, જ્યાં આપણી ભાગીદારી કદ પર નહીં, પરંતુ પરસ્પર સન્માન અને વિશ્વાસ પર ટકેલી હોય અને જ્યાં આપણે એક-એક દેશ પાસે અલગ-અલગ જવાને બદલે સાથે મળીને આગળ વધીએ. અમારું વિઝન હિંદ મહાસાગરને તકોનો મહાસાગર બનાવવાનું છે.
પીએમ મોદીએ સેશેલ્સની સંસદને સંબોધતા કહ્યું કે, અહીની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન તરીકે તમારી સમક્ષ ઊભા રહેવું એ મારા માટે વિશેષ સન્માનની વાત છે. પીએમએ કહ્યું કે, હું મારી સાથે ભારતના ૧.૪ અબજ લોકો વતી હાર્દિક શુભેચ્છાઓ અને સ્નેહ લઈને આવ્યો છું. વડાપ્રધાન બન્યા પછી હિંદ મહાસાગર ક્ષેત્રમાં મેં સૌથી પહેલા ૨૦૧૫માં સેશેલ્સની મુલાકાત લીધી હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો, કારણ કે મારું માનવું હતું કે, હિંદ મહાસાગરને લઈને ભારતના વિચારમાં સેશેલ્સનું એક વિશેષ સ્થાન છે. એક દાયકા પછી જ્યારે હું ફરી અહીં પરત ફર્યો છું, ત્યારે આ વિશ્વાસ પહેલા કરતા પણ વધુ મજબૂત બન્યો છે. તમારી આઝાદીના ૫૦ વર્ષ પૂર્ણ થવાના આ પ્રસંગે તમારી સાથે જાેડાવાનો મને ખૂબ જ આનંદ છે.
પીએમએ સંસદમાં ભારત-સેશેલ્સની મિત્રતા અંગે કહ્યું કે, આપણી મિત્રતા ૫૦ વર્ષ પહેલા રાજદ્વારી સંબંધોની સ્થાપના સાથે શરૂ નહોતી થઈ. તેની શરૂઆત તેનાથી પણ પહેલા ઓગસ્ટ ૧૭૭૦માં થઈ હતી. તે સમયે સેન્ટ એની આઈલેન્ડ પર પહોંચેલા વહાણ થેલેમાકમાં સવાર લોકોમાં ૫ ભારતીયો પણ સામેલ હતા. તે યાત્રાએ એવા અનેક લોકો માટે રસ્તો બનાવ્યો, જેઓ પાછળથી અહીં આવ્યા.
સમય જતાં તેમની કહાનીઓ આધુનિક સેશેલ્સના ઇતિહાસનો ભાગ બની ગઈ. આ આપણને યાદ અપાવે છે કે, આપણી વચ્ચેના સંબંધો સરકારોએ નથી બનાવ્યા, પરંતુ તેને લોકોએ સ્થાપિત કર્યા છે, પરિવારોએ સાચવ્યા છે અને પેઢીઓએ આગળ વધાર્યા છે. હિંદ મહાસાગરે આ શક્ય બનાવ્યું છે. હિંદ મહાસાગર ભારત અને સેશેલ્સને અલગ નથી કરતો, પણ આપણને જાેડે છે. આ જ કારણ છે કે આપણે એકબીજાને અજાણ્યાની જેમ નહીં, પરંતુ જૂના મિત્રોની જેમ મળીએ છીએ.



