
સંરક્ષણ મંત્રીએ કરી હાઈ-લેવલ બેઠક મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં રાજનાથસિંહે પશ્ચિમ એશિયા સંકટ પર સિનિયર મંત્રીઓના અનૌપચારિક જૂથની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે શનિવારે પશ્ચિમ એશિયા સંકટ પર સિનિયર મંત્રીઓના અનૌપચારિક જૂથની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી, આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે કેન્દ્ર સરકાર આ સંઘર્ષને લઈને અનેક બેઠકો કરી ચુકી છે અને લોકોને આશ્વાસન આપી રહી છે કે ઇંધણની કોઈ અછત નથી. વિદેશ મંત્રાલય પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને પશ્ચિમ એશિયામાં રહેલા ભારતીય નાગરિકોને શક્ય તમામ મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ અગાઉ ગઇકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નરો સાથે ડિજિટલ માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અને દેશ પર તેની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને તમામ મુખ્યમંત્રીઓ દ્વારા આપવામાં આવેલા સૂચનોની પ્રશંસા કરી અને કહ્યું કે આ સૂચનો બદલાતી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે આગામી પડકારોને પહોંચી વળવા માટે સતર્કતા, તૈયારી અને કેન્દ્ર રાજ્યએ મળીને કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે ભારત પાસે આવા વૈશ્વિક સંકટોનો સામનો કરવાનો અગાઉનો અનુભવ છે. તેમણે કોવિડ-૧૯ મહામારી દરમિયાન કેન્દ્ર અને રાજ્યો દ્વારા ટીમ ઈન્ડિયા તરીકે સાથે મળીને કરેલા પ્રયાસોને યાદ કર્યા, જેનાથી સપ્લાય ચેઈન, વેપાર અને સામાન્ય જીવન પર પડતી અસર ઓછી થઈ હતી. તેમણે કહ્યું કે આ સહકાર અને તાલમેલ આજે પણ ભારતની સૌથી મોટી તાકાત છે.




