કતારમાં ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. અહીં ગયા વર્ષે ડિસેમ્બરમાં કતાર કોર્ટે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ સૈનિકોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, પરંતુ ભારત સરકારે આ કેસમાં હાર ન માની અને હવે દોહા કોર્ટે ભારતીય સૈનિકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આમાંથી સાત પહેલા જ તેમના દેશમાં પરત ફર્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતારથી પૂર્વ નૌકાદળના જવાનોની વાપસી પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “વડાપ્રધાને વ્યક્તિગત રીતે આ મામલામાં વિકાસ પર નજર રાખી છે.” વિદેશ મંત્રાલયે કહ્યું, “ભારત સરકાર આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે જેઓ દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા હતા અને જેમને કતારમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.”
નોંધનીય છે કે આઠ પૂર્વ ભારતીય મરીનની ધરપકડનો મામલો બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધારી રહ્યો હતો. કતારે ઓગસ્ટ 2022માં તેની ધરપકડ કરી હતી પરંતુ તેની ધરપકડનું કારણ ક્યારેય જાહેર કર્યું નથી.
કતારની કોર્ટના નિર્ણય સામે ભારતે પણ અરજી દાખલ કરી હતી. જે બાદ દોહા કોર્ટે ફાંસીની સજાને જેલની સજામાં ફેરવી દીધી હતી. એવા અહેવાલો હતા કે કતાર રમઝાન પહેલા 8 ભારતીયોને મુક્ત કરી શકે છે, જો કે મુક્તિની જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીની UAE મુલાકાત પહેલા આવી છે.