
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સમાજમાં સામાન્ય રૂપે દીકરીના છૂટાછેડા થાય ત્યારે માતા-પિતાની સાથે સમગ્ર પરિવાર પણ દુઃખી થતો હોય છે. એને બદલે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પિતાએ સામાજિક રૂઢિચુસ્તતા તોડીને એક નવો ચીલો ચાતર્યો છે. પોતાની પુત્રીના છૂટાછેડા પર શોક મનાવવાને બદલે આ પરિવારે ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે તેનું ભવ્ય સ્વાગત કરીને આ પ્રસંગને ઉત્સવમાં ફેરવી નાખ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ અનોખા સ્વાગત ના વિડીયો હાલ ભારે વાયરલ થઇ રહ્યા છે અને લોકો પિતાના આ પ્રગતિશીલ વિચાર ના વખાણ કરી રહ્યા છે. મેરઠના શાસ્ત્રીનગર ની રહેવાસી પ્રતીક્ષા ના લગ્ન વર્ષ ૨૦૧૮ માં શાહજહાંપુરના મેજર ગૌરવ અગ્નિહોત્રી સાથે થયા હતા. આ દંપતિને એક પુત્ર પણ છે, પરંતુ લગ્નના થોડા સમય બાદ જ સાસરી પક્ષે હેરાનગતિ અને વિવાદો શરૂ થયા હતા.
લાંબી કાનૂની લડાઈ બાદ, ૦૪ એપ્રિલના રોજ કોર્ટે સત્તાવાર રીતે તેમના છૂટાછેડા મંજૂર કર્યા હતા. પ્રતીક્ષા જ્યારે આ કાનૂની લડાઈ જીતીને ઘરે પરત ફરી ત્યારે તેના પિતાએ તેને હાર માનવાને બદલે નવી શરૂઆત કરવા માટે પ્રોત્સાહિત કરી હતી.
પ્રતીક્ષા ના પિતા, જેઓ નિવૃત જજ છે .તેમણે આ પ્રસંગને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી ન હતી. તેમણે પોતાની પુત્રીના ફોટાવાળી બ્લેક ટી-શર્ટ પહેરી હતી. જેના પર “ I LOVE MY DAUGHTER “ લખેલુ હતું. જ્યારે પ્રતીક્ષા ઘરે પહોંચી ત્યારે પરિવારના સભ્યોએ ઢોલ વગાડીને ડાન્સ કર્યો હતો અને તેના પર ફૂલોનો વરસાદ કર્યો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણકે સમાજમાં સામાન્ય રીતે છૂટાછેડા અને કલંક અથવા દુઃખની ઘટના માનવામાં આવે છે. આ પ્રેરણાદાયી પગલાં અંગે પિતાએ જણાવ્યું હતું કે, “હું મારી પુત્રીને દુઃખી જોઈ શકતો નથી. જો તે તેના છ વર્ષના લગ્ન જીવનમાં નાખુશ હતી અને પરેશાન થઈને ઘરે પાછી ફરી છે તો હું નથી ઈચ્છતો કે તેને વધુ પીડા થાય. મારો ઉદ્દેશ્ય સમાજને સંદેશ આપવાનો છે કે દીકરીઓ દીકરા સમાન જ છે અને તેઓ સમાન પ્રેમ,ગૌરવ અને સમર્થન મેળવવાને પાત્ર છે.” નેટિઝન્સ આ પિતાને “રીયલ હીરો” ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો દરેક પરિવાર આ રીતે દીકરીઓની પડખે ઉભો રહે તો ઘરેલુ હિંસા અને સામાજિક કલંક સામેની લડાઈ સરળ બની જશે. આને કહેવાય દીકરી તો વહાલ નો દરિયો.




