
કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ઈજાના કારણે શુભમન ગિલ બહાર, જાડેજાની વાપસી; રોહિત-કોહલીનો પણ ૧૫ સભ્યોની ટીમમાં સમાવેશ
દક્ષિણ આફ્રિકા સામેની આગામી વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCI એ રવિવારે ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલની ગેરહાજરીમાં વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ ટીમનું નેતૃત્વ કરશે. ઘરેલુ ક્રિકેટમાં ધમાલ મચાવ્યા બાદ રુતુરાજ ગાયકવાડને પણ ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની શરૂઆત ૩૦ નવેમ્બરથી થશે. BCCI દ્વારા જાહેર કરાયેલી ૧૫ સભ્યોની ટીમમાં ઘણા નવા ચહેરાઓ સામેલ થાય છે.T-20 માં શાનદાર પ્રદર્શન બાદ તિલક વર્માને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વિકેટકીપર ધ્રુવ જુરેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમ : રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન) (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, રુતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણ, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.
શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ગરદનની ઈજા થઈ હતી અને તે મેચમાં વધુ ભાગ લેવામાં અસમર્થ હતો. ગિલ બીજી ટેસ્ટ અને આગામી ODI સિરીઝ માટે પણ ઉપલબ્ધ નથી. તેની ગેરહાજરીમાં કેએલ રાહુલ કેપ્ટનશીપ સંભાળશે.
કેએલ રાહુલને ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવાનો થોડો સમયનો અનુભવ છે. તેમણે જાન્યુઆરી ૨૦૨૨માં જાેહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વખત ટેસ્ટ મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.
રાહુલે ૧૨ વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું છે, જેમાં આઠમાં વિજય થયો છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. કુલ મળીને તેમણે ૧૬ આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાં ૧૧ જીત્યા છે અને પાંચ હાર્યા છે. તેમની જીતની ટકાવારી ૬૮.૭૫ છે.




