
ચેટજીપીટી બાળકો-કિશોરોને ગેરમાર્ગે દોરતું હોવાનો આરોપ ઓપનએઆઈ બાળકો માટે ખતરનાક, અમેરિકાના આઠ રાજ્યોએ કેસ કર્યાે ચેટજીપીટી દવાઓની જૂઠી માહિતી આપે છે, બાળકો-કિશોરોને વહેમમાં નાખીને આત્મહત્યા કરવા ઉશ્કેરે છે : અરજીમાં દાવો ઓપનએઆઈના ચેટબોટ ચેટજીપીટીના કારણે બાળકો અને કિશોરો આપઘાત માટે ઉશ્કેરાતા હોવાના આરોપ સાથે અમેરિકાના આઠ રાજ્યોએ કંપની સામે કોર્ટમાં દાવો માંડયો છે. અરજીમાં કહેવાયું હતું કે બાળકો-કિશોરોના વિશ્વાસુ સાથી હોવાનો ભ્રમ પેદા કરીને ચેટજીપીટી ગેરમાર્ગે દોરે છે અને તેની સલાહ માનવા સમજાવે છે. માણસો સાથે ખોટું બોલવાની સાથે સાથે ચેટજીપીટી કંપનીની સિસ્ટમને હેક કરવાનું કામ પણ કરે છે.ઓપનએઆઈના ચેટબોટ ચેટજીપીટી સામે અમેરિકાના આઠ રાજ્યો કોર્ટમાં ગયા છે. અમેરિકાના આઠ રાજ્યો – લોવા, એરિઝોના, અર્કાન્સેસ, ઈડાહો, કેન્સાસ, મોન્ટાના, નેબ્રાસ્કા અને પશ્વિમ વર્જિનિયાએ રાજ્યના ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કોર્ટમાં અરજી કરી છે કે ઓપનએઆઈના ચેટબોટ ચેટજીપીટીથી બાળકો-કિશોરોમાં ભ્રમ પેદા થાય છે. ચેટજીપીટી બાળકોને દવાની ખોટી માહિતી આપવાથી લઈને ન કરવાના કામો કરવા માટે ઉશ્કેરે છે. આપઘાત કરવા માટે ઉત્તેજન આપે છે. બાળકો-ટીનેજર્સ સાથે ચેટજીપીટી એવી રીતે વર્તે છે કે તે એનો વિશ્વાસુ સાથી છે. સાથી કે મિત્રનો સ્વાંગ રચીને તે નકારાત્મકતા ફેલાવે છે.આ રાજ્યોના એટર્નીએ કોર્ટમાં જુદી જુદી અરજી કરી હતી ને પછી હવે તમામ રાજ્યો સંયુક્ત રીતે કંપની સામે કેસ લડશે તેવી જાહેરાત કરી છે. આ તમામના સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે અત્યાર સુધીમાં એઆઈ કંપની સામે સંયુક્ત રીતે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા હોય એવું કાયદાની રીતે પહેલી વખત બન્યું છે. દરેક રાજ્યની અરજીમાં ટીનેજર્સ અને બાળકો ઉપરાંત તમામ યુઝર્સના સંદર્ભમાં જુદી જુદી બાબતોની જાણકારી આપવામાં આવી હતી. સંયુક્ત અરજીમાં એ તમામનો સમાવેશ કરીને કંપની સામે દાવો માંડવામાં આવ્યો છે. ઓપનએઆઈએ એક નિવેદનમાં બચાવ કરતા કહ્યું હતું કે ચેટજીપીટીમાં બાળકોના રક્ષણ માટે અલગથી ફીચર છે અને હજુય તેને વધારે અસરકારક બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. કંપનીએ એવું પણ કહ્યું હતું કે જે મોડલથી ગરબડો થઈ રહી છે તેના રિવ્યૂની પ્રોસેસ પણ ચાલી રહી છે.




