
જિનીવા મંત્રણાની સફળતાનો આધાર અમેરિકાના વલણ પર છે: ઈરાન.USનાં યુદ્ધજહાજાેને ડુબાડી દેવાની ઈરાનના સુપ્રીમ લીડરની ટ્રમ્પને ધમકી.એક તરફ બંને દેશો વચ્ચે જિનીવામાં પરમાણુ મંત્રણા શરૂ થઈ છે, તો બીજી તરફ યુદ્ધની ધમકીઓએ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો.અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી આપતા જણાવ્યું છે કે, ખાડી દેશોમાં તૈનાત અમેરિકાના શક્તિશાળી યુદ્ધજહાજાેને ઈરાન ડુબાડી શકે છે. એક તરફ બંને દેશો વચ્ચે જિનીવામાં પરમાણુ મંત્રણા શરૂ થઈ છે, તો બીજી તરફ યુદ્ધની ધમકીઓએ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
ખામેનેઈએ પોતાના ભાષણમાં અમેરિકા પર પ્રહાર કરતા કહ્યું કે, ‘‘અમે સતત સાંભળીએ છીએ કે અમેરિકાએ ઈરાન તરફ યુદ્ધજહાજ મોકલ્યું છે. યુદ્ધજહાજ ચોક્કસપણે ખતરનાક હથિયાર છે, પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક તે હથિયાર છે, જે તેને દરિયામાં ડુબાડી શકે છે. ઈરાનમાં શાસન બદલવાના અમેરિકાના તમામ પ્રયાસો નિષ્ફળ જશે.’’ આ સાથે ખામેનેઈએ ગર્જના કરીને કહ્યું કે દુનિયાની સૌથી મજબૂત ગણાતી સેનાને પણ એવો જાેરદાર લપડાક મારી શકાય છે કે તે ફરી બેઠી ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વમાં અમેરિકાની વધતી લશ્કરી હિલચાલ વચ્ચે ઓમાનની મધ્યસ્થતામાં જિનીવા ખાતે વાતચીતનો દોર શરૂ થયો છે. આ મંત્રણામાં અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ આ મંત્રણામાં ‘પરોક્ષ રીતે’ જાેડાયેલા છે. ટ્રમ્પે સૂચક નિવેદન આપતા કહ્યું કે, ઈરાન પરમાણુ ક્ષમતા ગુમાવવાના ડરે સમજૂતી કરવા ઈચ્છે છે.ઈરાને હોરમુઝની ખાડીને ફાયર ડ્રિલ માટે બંધ કરવાની જાહેરાત કર્યા બાદ વાટાઘાટો શરૂ થઈ હતી. ઈરાનના ન્યૂક્લીયર પ્રોગ્રામ સંદર્ભે બંને દેશો બીજા રાઉન્ડની વાટાઘાટો થઈ હતી. દરમિયાન અમેરિકાએ પણ ઈરાનની નજીક સૈન્ય બળોની સંખ્યા વધારવા કવાયત શરૂ કરી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે જીનિવા ખાતે ત્રણ કલાક મંત્રણા ચાલી હોવાનું સત્તાવાર સૂત્રોએ કહ્યુ હતું. જાે કે આ વાટાઘાટોમાં થયેલી ચર્ચા બાબતે માહિતી જાહેર થઈ ન હતી.




