રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ ત્રણ વર્ષ વીતી ગયા છે અને આ સંઘર્ષ હજુ અટક્યો નથી. દરમિયાન, આ યુદ્ધને લઈને આશ્ચર્યજનક દાવાઓ સામે આવ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય શસ્ત્ર ઉત્પાદકો દ્વારા વેચવામાં આવેલા તોપના ગોળા યુરોપના માર્ગે યુક્રેન પહોંચ્યા છે. રશિયાના વિરોધ છતાં ભારતે હજુ સુધી આ ખરીદ-વેચાણ રોકવા માટે કોઈ હસ્તક્ષેપ કર્યો નથી. કેટલાંક ભારતીય અને યુરોપિયન અધિકારીઓ તેમજ કસ્ટમ ડેટા અનુસાર રશિયા સામે યુક્રેનના હુમલાઓ માટે દારૂગોળાની આ નિકાસ એક વર્ષથી વધુ સમયથી થઈ રહી છે. રિપોર્ટમાં એ પણ નોંધ્યું છે કે યુક્રેન દારૂગોળાની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે કારણ કે તે પોકરોવસ્કમાં રશિયન આક્રમણને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હથિયારોની નિકાસ અંગેના ભારતીય નિયમો હેઠળ શસ્ત્રોનો ઉપયોગ ખરીદનાર જ કરી શકે છે. ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે રશિયાએ ઓછામાં ઓછા બે વખત આ મુદ્દો ઉઠાવ્યો છે. જુલાઈમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ અને તેમના ભારતીય સમકક્ષ વચ્ચેની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. રોયટર્સના આ અહેવાલ દ્વારા, દારૂગોળાની આ ખરીદી અને વેચાણની વિગતો પ્રથમ વખત બહાર આવી છે. યુક્રેનમાં ભારતીય દારૂગોળો મોકલનારા યુરોપિયન દેશોમાં ઈટાલી અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. આ દેશો યુક્રેનને શસ્ત્ર સપ્લાય કરવાની પહેલનું નેતૃત્વ કરી રહ્યા છે.
જ્યારે રશિયા અને ભારતના વિદેશ અને સંરક્ષણ મંત્રાલયોએ આ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા નથી. આ પહેલા જાન્યુઆરીમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતે યુક્રેનને ન તો હથિયાર મોકલ્યા છે અને ન તો વેચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેન ભારતમાં બનેલા હથિયારોનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં કરે છે. એક અધિકારીએ અનુમાન લગાવ્યું કે આ યુદ્ધ પછી યુક્રેન દ્વારા આયાત કરાયેલા કુલ શસ્ત્રોના 1% કરતા પણ ઓછા છે. જો કે, તે હજુ સુધી જાણી શકાયું નથી કે દારૂગોળો યુરોપિયન ગ્રાહકો દ્વારા યુક્રેનને ફરીથી વેચવામાં આવ્યો હતો કે દાનમાં આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દાયકાઓથી ભારતને શસ્ત્રો પૂરા પાડી રહેલા રશિયા સાથે પણ ભારતના સારા સંબંધો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. ભારત લાંબા સમયથી વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ છે. તે યુરોપમાં લાંબા સમય સુધી ચાલતા યુદ્ધને તેના શસ્ત્ર નિકાસ ક્ષેત્રને મજબૂત કરવાની તક તરીકે પણ જુએ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ થિંક-ટેંક અનુસાર, ભારતે 2018 અને 2023 વચ્ચે લગભગ $3 બિલિયનના શસ્ત્રોની નિકાસ કરી હતી.