
૧,૭૦૦ ફૂટ ઊંચી ઈમારત સાથે વિમાનનું અથડાયું બેઈજિંગની સૌથી ઊંચી ઈમારત સાથે નાનું વિમાન અથડાતાં અફરાતફરી દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે થઈ કે અન્ય કારણસર, તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ ચીનની રાજધાની બેઇજિંગમાં શુક્રવારે સાંજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી સૌથી ઊંચી ઈમારત ‘ચાઈના જુન ટાવર’ (સીઆઈટીઆઈસી ટાવર) સાથે એક નાનું વિમાન અથડાતા ખળભળાટ મચી ગયો છે. જાેકે આ ઘટનામાં હોનારતનો કોઇ અહેવાલ નથી. સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ ૬:૦૦ વાગ્યે, સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આવેલી ૧૦૯ માળની આ ગગનચુંબી ઈમારત સાથે બી-૧૨પીપી મોડેલનું વિમાન ટકરાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈમારતની બારીઓ તૂટી ગઈ અને વિમાનના ટુકડા રસ્તા પર ફંગોળાયા હતા. આ વિમાને શિફોસી એરપોર્ટથી ઉડાન ભરી હતી, પરંતુ અડધા કલાક બાદ રડાર સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. ૧,૭૦૦ ફૂટ ઊંચી ઈમારત સાથે વિમાનનું અથડાવું એક અત્યંત દુર્લભ ઘટના માનવામાં આવે છે, જેથી સમગ્ર વિશ્વની નજર આ તપાસ પર છે. ઘટના બાદ તરત જ ઈમારતને ખાલી કરાવીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડ અને બચાવ દળો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટાવર પાસેથી ધુમાડો નીકળતો અને કાટમાળ પડતો સ્પષ્ટ જાેઈ શકાય છે. અધિકારીઓ દ્વારા મૃતકો કે ઘાયલોની કોઈ જ સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. ચીનના સત્તાવાળાઓ દ્વારા જાનહાનિ કે ઈજાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તપાસ એજન્સીઓ આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો છે કે અન્ય કોઈ કારણસર, તે જાણવા માટે તપાસ કરી રહી છે.



