
સાચા ભક્તની ભાવનાથી ભગવાન બંધાઈ જાય છે
વૃંદાવનની પાવન ભૂમિ સંતો-મહાત્માઓ અને શ્રીકૃષ્ણના અનન્ય ભક્તોની ભક્તિથી સદાય સુગંધિત રહી છે. અહીંની ગલીઓમાં આજે પણ શ્રીકૃષ્ણની અનેક અલૌકિક લીલાઓની કથાઓ સાંભળવા મળે છે. ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ માત્ર પૂજા-અર્ચના પૂરતો સીમિત નથી હોતો પરંતુ તે પ્રેમ, વિશ્વાસ,આત્મીયતા અને સમર્પણનો અતૂટ સંબંધ હોય છે.ભગવાન ભક્તના ભાવના ભૂખ્યા છે. જ્યાં નિઃસ્વાર્થ પ્રેમ અને નિર્મળ હૃદય હોય છે ત્યાં ભગવાન પોતે પણ ભક્તના પ્રેમને વશ થઈ જાય છે. આવો જ એક અદ્ભુત ભક્તિભાવથી ભરપૂર પ્રસંગ વૃંદાવનના ગ્વારિયા બાબાનો છે જે ભગવાન શ્રી બાંકે બિહારીજી અને તેમના પરમ ભક્ત વચ્ચેના અનોખા પ્રેમસંબંધને ઉજાગર કરે છે.
વૃંદાવનમાં એક સંત રહેતા હતા જેમને સૌ ગ્વારિયા બાબા તરીકે ઓળખતા હતા,તેઓ ભગવાન શ્રી બાંકે બિહારીજીના અનન્ય ભક્ત હતા. બાબા ભગવાનને માત્ર આરાધ્ય દેવ તરીકે જ નહીં પરંતુ પોતાના અત્યંત પ્રિય મિત્ર એટલે કે યાર તરીકે માનતા હતા, તેમની ભક્તિમાં ઔપચારિકતા કરતાં આત્મીયતા અને પ્રેમનું વિશેષ સ્થાન હતું, તેઓ ભગવાન સાથે એવી રીતે વાતો કરતા જાણે કોઈ પોતાના અંતરના મિત્ર સાથે વાત કરતું હોય. ગ્વારિયા બાબાનો એક નિયમ હતો કે તેઓ દરરોજ સાંજે શ્રી બાંકે બિહારીજીનાં દર્શન કરવા અને તેમને શયન કરાવવા માટે મંદિર જતા. ભગવાનની સેવા કરવી એ જ તેમના જીવનનો સૌથી મોટો આનંદ હતો,તેમના મનમાં એવી અતૂટ શ્રદ્ધા હતી કે શ્રી બિહારીજી તેમની દરેક વાત સાંભળે છે અને તેમની સાથે સદાય રહે છે.
એક દિવસની વાત છે.ગ્વારિયા બાબા દરરોજની જેમ સાંજે શ્રી બાંકે બિહારીજીને શયન કરાવવા માટે મંદિર તરફ જઈ રહ્યા હતા, રસ્તામાં ભગવાનની ગલીમાંથી પસાર થતાં તેમને મિષ્ટાન્ન બનાવવાની સુગંધ આવી, ત્યાં કોઈ ભક્તના ઘરે સ્વાદિષ્ટ મોદક બનાવવામાં આવી રહ્યા હતા. મોદકની સુગંધથી બાબાના મનમાં તરત જ પોતાના પ્રિય બિહારીજીનો વિચાર આવ્યો.બાબાએ ત્યાં જઈને પ્રેમપૂર્વક ચાર મોદક માગ્યા અને કહ્યું કે આ મારા બિહારીજી માટે છે. વૃંદાવનના લોકો પણ ભગવાનના ભક્તો પ્રત્યે ખૂબ જ આદરભાવ ધરાવે છે તેથી મોદક બનાવનાર વ્યક્તિએ પણ કોઈ આનાકાની કર્યા વિના ચાર મોદક એક પડિયામાં બાંધીને બાબાને આપી દીધા.
બાબા મોદક લઈને મંદિર પહોંચ્યા, ત્યાં સુધીમાં ભગવાનના ભોગ માટેના દ્વાર બંધ થઈ ચૂક્યા હતા. બાબાએ મંદિરના એક ખૂણામાં પોતાનો ધાબળો પાથર્યો અને તેના પર બેસીને પોતાના પ્રિય બિહારીજીના સ્મરણમાં લીન થઈ ગયા, તેમના મનમાં માત્ર એક જ ભાવ હતો કે આજે મારા યાર માટે પ્રેમથી મોદક લઈને આવ્યો છું. થોડીવાર પછી ભગવાનની સાંજની આરતી અને શયનની તૈયારીનો સમય થયો. મંદિરના ગોસ્વામીજીએ આરતી માટે દ્વાર ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે મંદિરના દ્વાર ખૂલતા જ નહોતા,તેમણે અનેક પ્રયત્નો કર્યા પરંતુ દ્વાર જાણે અંદરથી બંધ થઈ ગયા હોય તેમ જરા પણ ખસતા નહોતા.
ગોસ્વામીજી ખૂબ જ આશ્ચર્યચકિત થયા. મંદિરના સેવકો પણ ચિંતામાં પડી ગયા. આરતીનો સમય થઈ રહ્યો હતો છતાં દ્વાર ખૂલતાં નહોતા, એ સમયે એક સંત ત્યાં બેઠા બેઠા આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા હતા,તેમણે ગોસ્વામીજીને કહ્યું કે ત્યાં ખૂણામાં ગ્વારિયા બાબા બેઠા છે, તેમની પાસે જઈને પૂછો કદાચ તેઓ તમને આ વાતનો ઉકેલ જણાવી શકશે.
ગોસ્વામીજી ગ્વારિયા બાબા પાસે ગયા અને થોડા આશ્ચર્ય તથા હળવા હાસ્ય સાથે બોલ્યા કે અરે બાબા ! તારા યાર તો આજે મંદિરના દ્વાર જ ખોલતા નથી ! તું જ કંઈક કર. આ સાંભળતાં જ ગ્વારિયા બાબા જાણે ઊંઘમાંથી જાગ્યા હોય તેમ તરત જ ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર આનંદ છવાઈ ગયો. રોમેરોમમાં ભક્તિનો ભાવ જાગી ઊઠ્યો, જાણે પોતાના પ્રિય મિત્રે તેમને કોઈ સંદેશો મોકલ્યો હોય તેમ તેઓ પ્રેમથી બોલ્યા જય જય ! હવે જાઓ બધું બરાબર થઈ જશે. ત્યારબાદ બાબાએ ગોસ્વામીજીને કહ્યું કે હવે તમે દ્વાર ખોલો.
ગોસ્વામીજીએ ફરી એકવાર દ્વાર ખોલવાનો પ્રયત્ન કર્યો. આ વખતે તેમણે દ્વારને હળવો સ્પર્શ કર્યો કે તરત જ દ્વાર સહેલાઈથી ખૂલી ગયા ! સૌને આશ્ચર્ય થયું. ગોસ્વામીજીએ ભગવાનની આરતી કરી અને ત્યારબાદ તેમને શયન કરાવવાની વિધિ પૂર્ણ કરી પરંતુ ગોસ્વામીજીના મનમાં એક પ્રશ્ન સતત ઊઠી રહ્યો હતો, થોડા સમય પહેલાં સુધી તેઓ પોતે અનેક પ્રયત્નો કરવા છતાં દ્વાર ખોલી શક્યા નહોતા જ્યારે ગ્વારિયા બાબાના માત્ર એક શબ્દથી દ્વાર ખૂલી ગયા ! આખરે આનું રહસ્ય શું હતું? તેઓ ગ્વારિયા બાબા પાસે પાછા ગયા અને પ્રેમપૂર્વક કહ્યું કે 'બાબા ! આજે તમને તમારા યારના સોગંદ છે, સાચું સાચું કહો કે આજે તમારા યારે એવી તે કેવી લીલા કરી કે દ્વાર ખૂલતા નહોતા અને તમારા કહેતાં જ ખૂલી ગયા?' ગ્વારિયા બાબા હસ્યા અને ખૂબ જ સહજતાથી બોલ્યા કે 'જય જય ! જ્યારે તમે ભગવાનને ભોગ ધરાવવા માટે દ્વાર ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે મારા બિહારીજી મારી પાસે આવીને પ્રેમથી મોદક ખાઈ રહ્યા હતા. મેં મારા યાર માટે ચાર મોદક લાવ્યા હતા ને ! તેઓ ખૂબ જ પ્રેમથી મોદક આરોગી રહ્યા હતા. હજુ તો મેં તેમનું મુખ પણ સાફ કરાવ્યું નહોતું ત્યાં જ તમે દ્વાર ખોલવા માટે બૂમ પાડી દીધી એટલે મેં તેમને કહ્યું કે જાઓ, હવે તમે તમારૂં મુખ સાફ કરી લો.ગોસ્વામીજી ! તમે જાઓ અને બિહારીજીનું મુખ બરાબર સાફ કરી દેજો,તેમના મુખ પર મોદકનો એઠવાડ લાગેલો છે.' આ સાંભળીને ગોસ્વામીજી આશ્ચર્યમાં પડી ગયા, તેઓ તરત જ મંદિરમાં ગયા અને ભગવાનના દર્શન કર્યા ત્યાં તેમણે જે જોયું તેનાથી તેમની આંખો આશ્ચર્ય અને ભાવવિભોરતાથી ભરાઈ ગઈ. ખરેખર ! શ્રી બાંકે બિહારીજીના મુખ પર મોદકનો એઠવાડ લાગેલો હતો ! ગોસ્વામીજીને સમજાઈ ગયું કે ગ્વારિયા બાબાની વાત માત્ર કલ્પના કે કોઈ સામાન્ય વાત નહોતી. બાબા અને બિહારીજી વચ્ચેનો પ્રેમસંબંધ કેટલો ગાઢ હતો તેનું આ એક અદ્ભુત ઉદાહરણ હતું. ભગવાન પોતાના ભક્તના પ્રેમને સ્વીકારવા માટે પોતે તેની પાસે આવીને મોદક આરોગે છે,આ ભક્તિની કેટલી અદ્ભુત અનુભૂતિ છે !
આ પ્રસંગમાંથી મળતો આધ્યાત્મિક બોધ..આ પ્રસંગ આપણને સમજાવે છે કે ભગવાનને ભક્તના ધન, વૈભવ, પદ કે પ્રતિષ્ઠાની કોઈ જરૂર નથી. ભગવાન તો માત્ર ભક્તના નિર્મળ હૃદય અને નિઃસ્વાર્થ પ્રેમના ભૂખ્યા છે. ભક્તિમાં સૌથી મહત્વની વસ્તુ ભાવના છે, ભગવાનને સોનાના થાળમાં ધરાવેલો ભોગ કરતાં પણ પ્રેમથી ધરાવેલું એક નાનું ફૂલ કે એક સાદો પ્રસાદ વધુ પ્રિય હોઈ શકે છે.
ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે..
પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ
જે ભક્ત મને પ્રેમ અને ભક્તિભાવથી પત્ર, પુષ્પ, ફળ કે જળ અર્પણ કરે છે તે ભક્તિપૂર્વક અર્પણ કરેલી વસ્તુ હું પ્રેમથી સ્વીકારૂં છું.
ગ્વારિયા બાબાની આ કથા આ શ્લોકના ભાવને જીવંત બનાવે છે. ચાર મોદકની કિંમત કરતાં તેમાં સમાયેલો પ્રેમ અનેકગણો મોટો હતો. બાબાએ કોઈ મોટો યજ્ઞ કર્યો નહોતો કે કોઈ વિશેષ વિધિ પણ કરી નહોતી, તેમણે તો માત્ર પોતાના પ્રિય બિહારીજી માટે પ્રેમથી ચાર મોદક લીધા હતા પરંતુ તેમની ભાવનાની પવિત્રતાએ ભગવાનને પણ તેમની પાસે આવવા પ્રેર્યા.સાચી ભક્તિ એટલે ભગવાનને દૂર બેઠેલા કોઈ અજાણ્યા સ્વરૂપ તરીકે નહીં પરંતુ પોતાના જીવનના સૌથી નજીકના સાથી તરીકે અનુભવવા. જ્યારે ભક્તના મનમાં ભગવાન પ્રત્યે એવો અતૂટ વિશ્વાસ જાગે છે ત્યારે જીવનની દરેક ક્ષણમાં તેમને ભગવાનની હાજરીનો અનુભવ થવા લાગે છે. ભગવાનની સેવા અને સમર્પણમાં એક વિશેષ આનંદ છે. જે વ્યક્તિ પોતાનું સર્વસ્વ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરીને નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે તેના જીવનમાં ભક્તિનો અનોખો રસ પ્રગટે છે. આવી ભક્તિમાં કોઈ અપેક્ષા હોતી નથી, કોઈ દેખાડો હોતો નથી કે કોઈ પ્રતિષ્ઠાની ઇચ્છા હોતી નથી માત્ર ભગવાનનો પ્રેમ જ જીવનનું ધ્યેય બની જાય છે.ભગવાનની કૃપા પણ ક્યારેક એવી રીતે પ્રગટ થાય છે કે સામાન્ય બુદ્ધિથી તેને સમજવી મુશ્કેલ બની જાય છે. ભક્તને જે અનુભવ થાય છે તે તેના અંતરની શ્રદ્ધા અને પ્રેમ સાથે જોડાયેલો હોય છે તેથી જ સંતો અને ભક્તોની લીલાઓ સાંભળતી વખતે માત્ર બુદ્ધિથી વિચારવાને બદલે હૃદયમાં ભક્તિભાવ જાગૃત કરવો જોઈએ.
બીજી એક મહત્વની વાત આ પ્રસંગમાંથી સમજવા જેવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી ભગવાનની શરણમાં જાય છે ત્યારે તેને જીવનની દરેક પરિસ્થિતિમાં ભગવાન પર વિશ્વાસ રાખવાની શક્તિ મળે છે. સુખ આવે કે દુઃખ, સફળતા મળે કે નિષ્ફળતા, તે દરેક પરિસ્થિતિમાં પ્રભુનું સ્મરણ જાળવી રાખે છે તેને એવો વિશ્વાસ હોય છે કે મારા જીવનની ચિંતા કરનાર મારા પ્રભુ છે.ભગવાનની શરણાગતિનો અર્થ એવો નથી કે જીવનમાં કોઈ મુશ્કેલી આવશે જ નહીં પરંતુ મુશ્કેલીઓ વચ્ચે પણ મનમાં શ્રદ્ધા-ધૈર્ય અને સમર્પણ જળવાઈ રહે છે. જે ભક્ત પોતાનો અહંકાર છોડીને પ્રભુનાં ચરણોમાં સમર્પિત થઈ જાય છે તેના જીવનમાં ચિંતા કરતાં શ્રદ્ધા અને ભય કરતાં વિશ્વાસનું સ્થાન વધી જાય છે. વૃંદાવનના ગ્વારિયા બાબાની આ પ્રેમભરી કથા આપણને ભક્તિનું એક અનોખું સ્વરૂપ સમજાવે છે. ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ માત્ર વિધિ-વિધાનનો નહીં પરંતુ હૃદયથી હૃદયનો સંબંધ છે. જ્યાં સાચો પ્રેમ છે ત્યાં ભગવાનને પણ ભક્તના પ્રેમ સામે ઝૂકવું પડે છે એવી ભાવના ભક્તોના હૃદયમાં અડગ શ્રદ્ધા જગાવે છે.સાચા ભક્ત માટે ભગવાન માત્ર મંદિરની મૂર્તિમાં જ નથી હોતા પરંતુ તેના જીવનના દરેક શ્વાસમાં, દરેક ભાવનામાં અને દરેક કર્મમાં વસતા હોય છે એવો ભક્ત દુનિયાની પ્રશંસા કે ટીકાની પરવા કર્યા વિના પોતાના આરાધ્યના પ્રેમમાં મસ્ત રહે છે. આપણે પણ જીવનમાં નિર્મળ ભાવના, નિઃસ્વાર્થ પ્રેમ,
સેવા, સમર્પણ અને અતૂટ શ્રદ્ધા કેળવીએ. ભગવાન પાસે કંઈ માગવાને બદલે ભગવાનને જ પોતાના બનાવી લઈએ કારણ કે જે સાચા હૃદયથી પ્રભુનો થઈ જાય છે તેના જીવનની જવાબદારી પ્રભુ પોતે સંભાળી લે છે.ભગવાનને પામવા માટે મોટા ચઢાવા કે દેખાડાની જરૂર નથી,જરૂર છે તો માત્ર નિર્મળ હૃદય -નિઃસ્વાર્થ પ્રેમ અને અતૂટ શ્રદ્ધાની.ધન્ય છે ગ્વારિયા બાબાની આવી અનન્ય ભક્તિ અને ધન્ય છે ભક્તના પ્રેમને વશ થઈ જનાર શ્રી બાંકે બિહારીજીની લીલા !
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




