
જેલમાં સાડી પહેરાવી નશીલો પદાર્થ પીવડાવ્યાનો આક્ષેપ હોટવાર જેલમાં ૨૦ વર્ષના કેદી પર ત્રણ વખત સામૂહિક દુષ્કર્મનો આક્ષેપ આરોપીઓમાં જેલના અધિકારીઓ, મેડિકલ ઓફિસર અને અન્ય કેદીઓનો સમાવેશ થાય છે
ઝારખંડની રાજધાની રાંચીના હોટવાર સ્થિત બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં કેદી સાથે અમાનવીય વર્તન અને યૌન શોષણનો ગંભીર મામલો સામે આવ્યો છે. ૨૦ વર્ષના પૂર્વ કેદી સાથે જેલમાં ત્રણ અલગ-અલગ પ્રસંગે સામૂહિક અકુદરતી યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ મામલે જેલ અધિક્ષક સહિત કુલ ૧૯ લોકો સામે હ્લૈંઇ નોંધવામાં આવી છે. આરોપીઓમાં જેલના અધિકારીઓ, મેડિકલ ઓફિસર અને અન્ય કેદીઓનો સમાવેશ થાય છે.
પીડિતના પિતાએ ખેલગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ૨૦ વર્ષનો પુત્ર એક કેસમાં વિચારાધીન કેદી તરીકે હોટવાર જેલમાં બંધ હતો. રાંચીની અદાલતે ૧૨ જૂન, ૨૦૨૬ના રોજ તેને નિર્દોષ જાહેર કર્યો હતો. ત્યારબાદ તે જેલમાંથી મુક્ત થયો હતો.
પીડિતના આક્ષેપ મુજબ, જેલમાં શિવરાત્રિ, રામનવમી અને સરહુલના તહેવારો દરમિયાન કેટલાક કેદીઓએ તેને બળજબરીથી સાડી પહેરાવી મહિલાનો વેશ ધારણ કરાવ્યો હતો. ત્યારબાદ તેને નશીલો પદાર્થ પીવડાવી સામૂહિક અકુદરતી યૌન શોષણ કરવામાં આવ્યું હતું.
આ અત્યાચારને કારણે યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી અને ભારે રક્તસ્રાવ પણ થયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. યુવકે વોર્ડ પ્રભારીને આ અંગે જાણ કરી હોવા છતાં યોગ્ય સારવાર કે મદદ આપવામાં આવી ન હોવાનો પણ આરોપ છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ યુવક માનસિક રીતે ખૂબ પરેશાન અને હતાશ રહેતો હતો. આ કારણે પરિવાર તાત્કાલિક ફરિયાદ નોંધાવી શક્યો નહોતો. યુવકની સ્થિતિમાં સુધારો થયા બાદ તેણે પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી.
પીડિતના પિતાની લેખિત ફરિયાદના આધારે પોલીસે જેલ અધિક્ષક, વોર્ડ પ્રભારી, મેડિકલ ઓફિસર સહિત ૧૯ લોકો સામે હ્લૈંઇ નોંધી છે. હાલમાં સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે.
ઉલ્લેખનીય છે કે હોટવાર જેલ અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે. નવેમ્બર ૨૦૨૫માં દારૂ કૌભાંડના કેસમાં બંધ બે કેદીઓનો જેલમાં નૃત્ય કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ જેલના કેટલાક અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે નવા આરોપોને પગલે જેલની સુરક્ષા, દેખરેખ અને કેદીઓની સલામતી સામે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે.




