
જીવનની મુશ્કેલીઓ સામેના સંઘર્ષ અને અડગ હિંમતની દોડ ઝારખંડની મહિલા નોકરી મેળવવા સાડી પહેરી ખુલ્લા પગે ૧૬૦૦ મીટર દોડી હોમગાર્ડની ભરતીમાં કવિતા કુમારીનો જુસ્સો જાેઈ સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠયું : વિડીયો વાયરલ
ઝારખંડમાં હોમગાર્ડની ભરતી માટે ચાલી રહેલી શારીરિક કસોટી દરમિયાન એક મહિલાની દોડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વાદળી સાડી પહેરીને ભરતીની ૧૬૦૦ મીટરની દોડમાં ઉતરેલી વિધવા મહિલા કવિતા કુમારીએ દોડ શરૂ કર્યા બાદ પોતાના પગમાંથી ચપ્પલ ઉતારી ખુલ્લા પગે દોડવાનું શરૂ કર્યું હતું. તેની હિંમત અને જુસ્સો જાેઈ સ્ટેડિયમમાં હાજર લોકો તાળીઓ પાડીને અને હર્ષનાદ કરીને તેનો ઉત્સાહ વધારવા લાગ્યા હતા.કવિતા દોડમાં આગળ વધતી ગઈ અને પોતાની સામે દોડી રહેલા ઉમેદવારોને એક પછી એક પાછળ છોડતી ગઈ હતી. આ સમગ્ર દ્રશ્ય જાેઈ રહેલા એક વ્યક્તિએ તેનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કવિતાની સંઘર્ષભરી કહાની લોકો સુધી પહોંચી હતી.કવિતા કુમારી ઝારખંડના રામગઢ જિલ્લાના સોસો ગામની રહેવાસી છે. પતિના અવસાન બાદ પરિવારની જવાબદારીનો ભાર તેના ખભા પર આવ્યો છે. તેના માટે હોમગાર્ડની નોકરી માત્ર સરકારી નોકરી મેળવવાની તક નથી, પરંતુ પોતાના જીવનમાં નવી શરૂઆત કરવાની આશા છે.કવિતા દરરોજ વહેલી સવારે પોતાના ગામની આસપાસના ઉબડખાબડ રસ્તાઓ પર દોડવાની પ્રેક્ટિસ કરતી હતી. મર્યાદિત સાધનો અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેણે હિંમત હારી નહીં અને હોમગાર્ડની ભરતીમાં સફળ થવા માટે તે સતત મહેનત કરતી હતી.




