
શિવસેનાએ પાના ફાડી વિરોધ નોંધાવ્યો સોનિયા ગાંધીના પુસ્તકમાં વીર સાવરકર અંગેની ટિપ્પણીઓથી વિવાદ શિવસેનાના પ્રવક્તા સંજય નિરુપમે પ્રકાશક હાર્પર કોલિન્સ સમક્ષ પુસ્તકના પેજ નંબર ૨૦૧ અને ૪૪૩ તાત્કાલિક હટાવવાની માંગ કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના એક પુસ્તકમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પુસ્તકના અમુક અંશો સામે ઉગ્ર વાંધો ઉઠાવતા શિવસેનાના નેતાઓ અને કાર્યકરોએ મુંબઈ ખાતે પુસ્તકના પાના ફાડીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય નિરુપમ અને રાષ્ટ્રીય સચિવ શાઈના એનસીએ એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને પ્રકાશક હાર્પર કોલિન્સ પાસે પુસ્તકમાંથી પેજ નંબર ૨૦૧ અને ૪૪૩ તાત્કાલિક હટાવી દેવાની માંગ કરી છે. પત્રકાર પરિષદમાં સંજય નિરુપમે જણાવ્યું હતું કે, પુસ્તકના પેજ નંબર ૨૦૧ પર વીર સાવરકર વિશે અપમાનજનક લખાણ લખવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, સાવરકરે દેશની આઝાદી માટે ૧૧ વર્ષ સુધી જેલમાં અસહ્ય યાતનાઓ સહન કરી હતી અને સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના હૃદયમાં તેમના પ્રત્યે અપાર સન્માન હતું. આ મુદ્દે ઠાકરે જૂથ પર નિશાન સાધતા નિરુપમે સવાલ કર્યો હતો કે, આજે જે લોકો પોતાને બાળાસાહેબ ઠાકરેના વારસદાર ગણાવે છે, તેઓ આ મુદ્દે ચૂપ કેમ છે? બીજી તરફ, શિવસેનાના રાષ્ટ્રીય સચિવ શાઈના એનસીએ આરોપ લગાવ્યો હતો કે, સોનિયા ગાંધીના પુસ્તકમાં સાવરકરને હિંદુત્વના સંદર્ભમાં બહિષ્કારવાદી તરીકે ચિતરવામાં આવ્યા છે, જ્યારે બાળાસાહેબ ઠાકરે સાવરકરને હિંદુત્વનો આત્મા માનતા હતા. તેમના જણાવ્યા મુજબ, પેજ નંબર ૨૦૧ અને ૪૪૩માં વપરાયેલા શબ્દો દ્વારા ઈતિહાસ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ થયો છે, તેથી પ્રકાશકે આ બંને પાના તાત્કાલિક દૂર કરવા જાેઈએ. આ પ્રસંગે સંજય નિરુપમે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી દ્વારા ભારતીય અર્થવ્યવસ્થા અંગે આપવામાં આવેલા નિવેદનની પણ આકરી આલોચના કરી હતી. નિરુપમે દાવો કર્યો હતો કે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વિશ્વ બેંક જેવી સંસ્થાઓએ ભારતના ૭.૭ ટકાથી વધુના જીડીપી (GDP) વૃદ્ધિ દરની પ્રશંસા કરી છે, ત્યારે વિદેશી ધરતી પર જઈને દેશના અર્થતંત્રની ટીકા કરવી યોગ્ય નથી.




