
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પોતાની માંગણીને લઈને ચાર દિવસથી કર્મચારીઓ હડતાલ પર બેઠા છે ત્યારે ડીવાયએસપી શર્મા અને પી.આઈ ગઢવીએ આદિવાસી કર્મચારીઓ અને આગેવાનો સાથે ગેરવર્તન કર્યું છે. પોતાની સત્તા અને વર્દીનો ખૌફ બતાવીને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરે છે. ભૂતકાળમાં પણ ધારાસભ્ય ચૈતર વસાવા અને બીજા લોકો સામે આ લોકોએ અપશબ્દનો ઉપયોગ કર્યો છે, ત્યારે હું ગુજરાતના ગૃહમંત્રી, નર્મદાના એસપી અને ગાંધીનગરના ગૃહ વિભાગને પૂછવા માગું છું કે આ જે કર્મચારીઓ છે જે પોલીસ વિભાગને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે એમના પર તમે આવનાર દિવસોમાં કયા એક્શન લેશો? જે ભોળાભાળા આદિવાસી લોકો શાંતિપૂર્ણ રીતે પોતાના હક અને અધિકાર માટે ધરણા પર બેઠા હતા અને એજન્સીઓ પાસે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા હતા અને આવા સમયમાં આ પોલીસ અધિકારીઓ હાથ પકડીને અમારા લોકોને પકડીને ખેંચી જાય છે, ખોટા કેસો કરવાની ધાકધમકી આપો છે. પોલીસનું કામ પ્રજાની સલામતી જાળવવાનું છે, પરંતુ આવા પોલીસ અધિકારીઓ સત્તાના જોરે સામાન્ય લોકોનો અવાજ દબાવવાનો કોશિશ કરે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આ કર્મચારીઓને જો બહુ લાગણી હોય તો કેસરી પટ્ટા પહેરી લે અને ચૂંટણી લડે. તમે વર્દીને બાજુમાં મૂકીને આગેવાનો સામે આવો તો જનતા તમને જવાબ આપશે, તમે વર્દી પહેરીને અમારા લોકોને ડરાવો ધમકાવો છો. અમારા લોકો ભોળા છે, કોઈ કાયદો જાણતા નથી. ગૃહમંત્રીને અમે કહેવા માંગીએ છીએ કે તમે ત્રણ દિવસના નર્મદાના પ્રવાસે આવો છો તો તમારે હવે આ ડીવાયએસપી શર્મા અને પીઆઈ ગઢવી પર કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટ્રાયબલ વિસ્તારમાં ગાંધી ચિંધ્યા માર્ગે તમામ સમાજને સાથે રાખીને કલેકટર કચેરી અને એસપી ઓફિસ સામે ઉગ્ર આંદોલન કરીશું. આ બંને કર્મચારીઓ પર કડક પગલાં લેવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે જેથી આવનારા સમયમાં બીજો કોઈ પણ કર્મચારી આ રીતે કોઈ સામાન્ય નાગરિક કે સામાજિક આગેવાનને ડરાવી ધમકાવી ન શકે.




