
મંત્રીઓની બેઠકમાં PM મોદીની ટકોર બચત કરો, ભારતની સંસ્કૃતિ ખાઓ, પીઓ અને મોજ કરવાની નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રીઓને ટકોર: ગરીબીમાંથી બહાર આવેલા લોકો ફરી ગરીબ ન બને તેનું ધ્યાન રાખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક પ્રગતિ સાથે નાણાકીય શિસ્ત અને બચતના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં તેમણે મંત્રીઓને સંબોધતાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ ‘ખાઓ, પીઓ અને મોજ કરો‘ની નહીં, પરંતુ બચત અને કરકસરની છે. લોકોને ગરીબીમાંથી બહાર લાવવાની સાથે તેઓ ફરી ગરીબીમાં ન ધકેલાય તેની પણ કાળજી રાખવી જરૂરી છે. લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાને ડ્રગ્સના દૂષણ અને નક્સલવાદ જેવા મુદ્દાઓ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, વડાપ્રધાન મોદીએ મંત્રીઓને જણાવ્યું હતું કે દેશમાં નાણાકીય શિસ્ત અને બચતની ભાવનાને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ગરીબીમાંથી બહાર આવેલા પરિવારો ફરી આર્થિક મુશ્કેલીમાં ન મુકાય તે માટે તેમને બચતનું મહત્ત્વ સમજાવવું જાેઈએ.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર આવક વધારવી પૂરતી નથી, પરંતુ પરિવારોમાં આર્થિક સુરક્ષા અને બચતની ટેવ વિકસે તે પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. જાે નાણાકીય શિસ્ત જળવાશે નહીં તો ગરીબી સામેની લડાઈમાં મળેલી સફળતા પર અસર પડી શકે છે.
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૧થી ૨૦૨૩ વચ્ચે આશરે ૫૦ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકોને ગરીબીમાંથી બહાર લાવવું એ સફળતાનો એક ભાગ છે, પરંતુ તેમને ફરી ગરીબીના ચક્રમાં ન ફસાવા દેવા માટે સતત પ્રયાસો જરૂરી છે. વડાપ્રધાને વર્ષ ૨૦૧૪માં સંસદના સેન્ટ્રલ હોલમાં આપેલા પોતાના પ્રથમ સંબોધનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે સમયે તેમણે પોતાની સરકારને ગરીબોને સમર્પિત ગણાવી હતી. ત્યારથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. બેઠક દરમિયાન દેશના યુવાનોને નશાના રવાડે ચડાવી રહેલા ડ્રગ્સના દૂષણનો મુદ્દો પણ ચર્ચાયો હતો. વડાપ્રધાન આ મુદ્દે ભાવુક બન્યા હતા અને ડ્રગ્સની બદી સામે સામૂહિક લડત ચલાવવાની અપીલ કરી હતી.
તેમણે યુવાનોનું ભવિષ્ય બરબાદ કરતા નશાના કારોબારને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકાર, સમાજ અને પરિવારોને સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.




