
પાકિસ્તાની વેબ સિરીઝની ભારતમાં રિલીઝનો વિરોધ.ફવાદ ખાન-માહિરા ખાનની સિરીઝ રોકવા PM મોદીને લખાયો પત્ર.આગામી ૪ ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ‘બચ્ચે હૈં સંગ સમેટ લો’ સામે AICWA ની રજૂઆત.ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગામી પાકિસ્તાની વેબ સિરીઝ ’બચ્ચે હૈં સંગ સમેટ લો’ની ભારતમાં રિલીઝ અટકાવવાની માંગ કરી છે. આ સિરીઝ ૪ ડિસેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. એસોસિએશને ભારતમાં તમામ પ્રકારનાં પાકિસ્તાની કન્ટેન્ટ પર કાયમી પ્રતિબંધ મૂકવાની પણ રજૂઆત કરી છે.આ વેબ સિરીઝમાં ફવાદ ખાન, માહિરા ખાન, હાનિયા આમિર અને સમન અન્સારી સહિતના જાણીતા પાકિસ્તાની કલાકારો સામેલ છે. AICWA એ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, આમાંથી કેટલાક કલાકારોએ તણાવના સમયમાં ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. પત્રમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કલાકારો આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશના છે, જેઓ ક્યારેય ભારતનું ભલું ઈચ્છશે નહીં.એસોસિએશને યાદ અપાવ્યું કે પુલવામા હુમલા બાદ તેમણે પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત, પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પણ પાકિસ્તાની કલાકારો અને કન્ટેન્ટ પર નિયંત્રણો લાદ્યા હતા. ૮ મે, ૨૦૨૫ના રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ઓટીટી પ્લેટફોર્મ અને સ્ટ્રીમિંગ સેવાઓને પાકિસ્તાની વેબ સિરીઝ, ગીતો અને પોડકાસ્ટનું પ્રસારણ બંધ કરવા એડવાઈઝરી જાહેર કરી હતી.AICWA ના પ્રમુખ સુરેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સિરીઝની રિલીઝ સરકારની એડવાઈઝરીની ભાવના વિરુદ્ધ છે. તેમણે ભારતમાં પાકિસ્તાની કન્ટેન્ટ દર્શાવવા સામે કડક કાયદો અને દંડની જાેગવાઈ કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે નેટફ્લિક્સ અને અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સને સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને પાકિસ્તાની કાર્યક્રમો નહીં દર્શાવવાની અપીલ કરી છે.




