
કોશી નદી પ્રણાલીમાં અચાનક ભારે પૂર આવ્યું હતું નેપાળના જળપ્રલયમાં ગુમ ૨૧૩ ભારતીયોને મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ આ પ્રક્રિયાનો હેતુ અંતિમ યાદી તૈયાર કરતા પહેલાં ઉપલબ્ધ માહિતીની ચકાસણી કરવાનો છે નેપાળમાં ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન આવેલા વિનાશક જળપ્રલય બાદ ગુમ થયેલા ૨૧૩ ભારતીય નાગરિકોને મૃત જાહેર કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે ૨૫ નવેમ્બરે આ અંગે સત્તાવાર માહિતી જાહેર કરી હતી. નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) દ્વારા ગુમ થયેલા ભારતીય નાગરિકોની યાદી જાહેર કરવામાં આવી છે.
NDRRMA દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કોઈ વ્યક્તિનું નામ ઉમેરવાનું, દૂર કરવાનું અથવા અન્ય વિગતોમાં સુધારો કરાવવાનો હોય તો પરિવારજનોને ૨ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા જણાવાયું છે. આ પ્રક્રિયાનો હેતુ અંતિમ યાદી તૈયાર કરતા પહેલાં ઉપલબ્ધ માહિતીની ચકાસણી કરવાનો છે.પરિવારજનોને યાદી અંગે કોઈ વાંધો કે સૂચન હોય તો દૂતાવાસને ઈમેઈલ અથવા મોબાઇલ દ્વારા જરૂરી વિગતો મોકલવાની અપીલ કરવામાં આવી છે.વાંધા અને સૂચનોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નેપાળ સરકાર યાદીને અંતિમ સ્વરૂપ આપશે અને કાયદેસરની પ્રક્રિયા મુજબ ગુમ થયેલા લોકોને મૃત જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી કરશે. જરૂરી જણાય તો પરિવારજનો પાસેથી વધારાના દસ્તાવેજાે પણ માંગવામાં આવી શકે છે.૨૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ નેપાળ-તિબેટ સરહદ નજીક હિમખંડ અને ખડકો ધસી પડવાથી ટ્રિશુલી અને ભોટે કોશી નદી પ્રણાલીમાં અચાનક ભારે પૂર આવ્યું હતું. આ આપત્તિમાં ઉત્તર અને મધ્ય નેપાળના અનેક વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું હતું.
નેપાળના સત્તાવાર આંકડા અનુસાર, હોનારતમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા અને હજારો લોકો ગુમ થયા હતા. હવે ૨૧૩ ભારતીય નાગરિકો અંગેની કાનૂની પ્રક્રિયા શરૂ થતાં તેમના પરિવારોને લાંબી અનિશ્ચિતતા બાદ સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે.




