
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
એક બાજુ સરકાર સાઈબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવે છે. ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપે છે અને રોકડ
વિહોણા અર્થતંત્રની વાતો કરાય છે. પરંતુ નાગરિકને ડિજિટલ વ્યવહાર માટે પ્રોત્સાહિત કર્યા પછી તેની સુરક્ષા અને
અધિકારોની ખાતરી કરવી પણ સરકારની જ ફરજ છે. માત્ર એપ, પોર્ટલ અને હેલ્પલાઈન શરૂ કરવાથી સમસ્યા
ઉકેલાતી નથી. ફરિયાદનો ઝડપી નિકાલ જવાબદાર અધિકારી અને અસરકારક અપીલ વ્યવસ્થા પણ એટલી જ જરૂરી
છે.
જ્યારે સાઈબર ઠગાઈની તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ નાંણાકીય વ્યવહાર સાથે જોડાયેલા ખાતાને
સ્થગિત કરવાની જરૂર પડી શકે છે. ગુનાની રકમ આગળ ના જાય અને પુરાવા સુરક્ષિત રહે તે માટે આવી કાર્યવાહીનું
મહત્વ છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે તપાસના નામે આખું ખાતું લાંબા સમય સુધી બંધ રાખવામાં
આવે, ખાતાધારકને સ્પષ્ટ કારણ પણ ન જણાવવામાં આવે અને તેને પોતાના જ નાણાં મેળવવા માટે પોલીસ મથક,
બેંક તથા સાઈબર સેલના ધક્કા ખાવા પડે. ઘણી વાર જે તે વ્યક્તિનો ગુનામાં કોઈ સીધો સંબંધ હોતો નથી. ઠગોએ
તેની ઓળખ કે ખાતાની વિગતોનો ઉપયોગ કર્યો હોય અથવા અજાણતા કોઈ રકમ તેના ખાતામાં આવી ગઈ હોય,
છતાં શંકાનો બોજ તેના (ગ્રાહક) ના માથે આવી પડે છે.
આમ ગુન્હો કરનારા સાઈબર ગુનેગારો સામે કડકાઈમાં કોઈ બાંધછોડ ન હોવી જોઈએ. પરંતુ કડકાઈનો અર્થ
નિર્દોષ નાગરિકને શંકાના આધારે સજા આપવી એવો નથી. ગુનેગારને પકડવાની જવાબદારી તપાસ એજન્સીની છે.
પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે નાગરિકને વર્ષો સુધી ભટકાવવાની નહીં. કાયદાનો હેતુ ગુનાને રોકવાનો અને
ન્યાય અપાવવાનો છે, ન કે તપાસની ખામીઓનો બોજ સામાન્ય માણસ પર નાખવાનો. ડિજિટલ ભારતનું ભવિષ્ય
નાગરિકોના વિશ્વાસ પર ટકેલું છે. એ વિશ્વાસ ત્યારે જ ટકશે, જ્યારે સાઈબર ગુનાનો ભોગ બનેલા માણસને બીજી
વાર સરકારી બેદરકારીનો ભોગ બનવું ન પડે.




