
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક અમદાવાદમાં બે મહિનામાં ડેન્ગ્યૂના ૭૦૦થી વધુ કેસ અમદાવાદમાં માત્ર ડેન્ગ્યૂ જ નહીં, પરંતુ ટાઇફોઇડ, કમળો અને ઝાડા-ઊલટી જેવા રોગોના કેસમાં પણ વધારો નોંધાયો છે
અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં અત્યાર સુધી ૭૦૦થી વધુ લોકો ડેન્ગ્યૂની ઝપેટમાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે ડેન્ગ્યૂના કેસ બમણા નોંધાયા છે.
અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસમાં સૌથી વધુ વધારો ઓક્ટોબર મહિનામાં જાેવા મળ્યો હતો. માત્ર એક જ મહિનામાં ૫૫૩ કેસ નોંધાયા હતા. જ્યારે નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોને ડેન્ગ્યૂ થયો છે. આ આંકડા શહેરમાં મચ્છરજન્ય રોગોના વધતા જાેખમ તરફ ધ્યાન દોરે છે.
અમદાવાદમાં માત્ર ડેન્ગ્યૂ જ નહીં, પરંતુ ટાઇફોઇડ, કમળો અને ઝાડા-ઊલટી જેવા રોગોના કેસમાં પણ વધારો નોંધાયો છે. રોગચાળાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નાગરિકોએ આરોગ્ય અંગે સાવચેતી રાખવી જરૂરી છે.
ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરો પાણી ભરાયેલા સ્થળોએ પેદા થઈ શકે છે. ઘરની આસપાસના કુંડા, ટાયર, પાણીની ટાંકી અને અન્ય વાસણોમાં પાણી ભરાઈ રહેતું હોય તો તેને નિયમિત ખાલી કરવું જાેઈએ.શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવા અને મચ્છર ભગાડવાના ઉપાયોનો ઉપયોગ કરવો. તાવ, માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવી જરૂરી છે. અમદાવાદમાં વધતા રોગચાળાને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા જાળવવી અને આરોગ્ય અંગે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે.




