
બાંગ્લાદેશમાં રાજકીય હિંસા બેકાબ બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી હુમાયૂં કબીરના ઘરને નિશાન બનાવવા પ્રયાસ સિલહટ સ્થિત નિવાસસ્થાનના મુખ્ય દરવાજા પાસે કપડાંમાં આગ ચાંપી; કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન નહીં બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ અને હિંસાની ઘટનાઓ વચ્ચે હવે સરકારના મંત્રીઓનાં નિવાસસ્થાનો પણ નિશાન બની રહ્યાં હોવાની ઘટના સામે આવી છે. ગુરુવારે મોડી રાત્રે સિલહટ શહેરના દરિયાપારા વિસ્તારમાં વિદેશ રાજ્યમંત્રી હુમાયૂં કબીરના નિવાસસ્થાનના મુખ્ય દરવાજા પાસે અજાણ્યા શખસોએ કપડાંના ટુકડાઓમાં આગ ચાંપી હતી. જાેકે, આગ ઘરની અંદર સુધી પહોંચી નહોતી અને કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
સિલહટ મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશનર અફઝલ હુસૈનના જણાવ્યા અનુસાર, ગુરુવારે મોડી રાત્રે આશરે ૩થી ૪ વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. અજાણ્યા શખસોએ મંત્રીના ઘરના મુખ્ય દરવાજાની સામે કપડાંના કેટલાક ટુકડાઓ સળગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મકાનમાં હુમાયૂં કબીરના કાકા અને પરિવારના અન્ય સભ્યો રહે છે. મંત્રી જ્યારે સિલહટની મુલાકાતે આવે છે ત્યારે આ જ મકાનમાં રોકાય છે. જાેકે, ઘટનાના સમયે તેઓ ત્યાં હાજર નહોતા. તેમનો શુક્રવારે બપોરે સિલહટ પહોંચવાનો કાર્યક્રમ હોવાનું જણાવાયું હતું.
ઘટના બાદ સિલહટ વિકાસ સત્તામંડળના ચેરમેન રેઝાઉલ હસન કોયેસ લુધી પણ શુક્રવારે સવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મકાનમાં કોઈએ પ્રવેશ કર્યો નથી અને મોટી આગચંપીની ઘટના પણ બની નથી. કોઈ વ્યક્તિએ પસાર થતી વખતે ઘરની સામે કંઈક ફેંક્યું હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિ છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ રહી છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની વાપસીની માગ સાથે અવામી લીગના કાર્યકરો દ્વારા પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ, વર્તમાન સરકાર દ્વારા પક્ષ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુરુવારે પણ અવામી લીગના સભ્યો દ્વારા પ્રદર્શનો થયાં હોવાના અહેવાલો છે. આ રાજકીય તણાવ વચ્ચે મંત્રીના નિવાસસ્થાન પાસે આગ લગાડવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે. જાેકે, પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ ઘટનામાં કોની સંડોવણી હતી અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે સ્પષ્ટ થશે.




