
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે તારિક રહેમાનનું નિવેદન અવામી લીગના નેતાઓ સરહદ પાર બેઠેલા પોતાના આકાઓના ઈશારે અશાંતિ ફેલાવી રહ્યા છે હસીનાના ડિસેમ્બરમાં પરત ફરવાના ર્નિણય બાદ અશાંતિ; ગોપાલગંજમાં પોલીસ સ્ટેશન ફૂંકાયું બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને અશાંતિ વચ્ચે વડાપ્રધાન તારિક રહેમાને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અવામી લીગ પર આકરા પ્રહાર કર્યા છે. ઉત્તર-પશ્ચિમી જિલ્લા લાલમોનિરહાટમાં યોજાયેલી જનસભાને સંબોધતા રહેમાને આરોપ લગાવ્યો હતો કે ઓગસ્ટ ૨૦૨૪ના વિદ્રોહ બાદ દેશ છોડીને ગયેલા અવામી લીગના નેતાઓ સરહદ પાર બેઠેલા પોતાના આકાઓના ઈશારે બાંગ્લાદેશમાં અશાંતિ, હત્યાઓ અને ષડયંત્ર ચલાવી રહ્યા છે.
તેમણે વિદ્યાર્થી આંદોલનથી મળેલા અધિકારોને નબળા પાડવાના પ્રયાસનો આક્ષેપ કરતા આતંકવાદની રાજનીતિ સામે જડબાતોડ જવાબ આપવાની હાકલ કરી હતી.
ઓગસ્ટ ૨૦૨૪થી ભારતમાં આશ્રય લઈ રહેલાં શેખ હસીનાએ આગામી ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાનો ર્નિણય જાહેર કર્યા બાદ દેશમાં તંગદિલી વધી છે. અવામી લીગ દ્વારા અપાયેલા એક દિવસીય દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન તોડફોડ, આગચંપી અને દેશી બોમ્બ ધમાકાના બનાવો બન્યા હતા. સ્થિતિ કાબૂમાં લેવા વહીવટીતંત્રે ૭ જિલ્લામાં આશરે ૩,૦૦૦ અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કર્યા છે. બીજી તરફ, હસીનાએ નવો પાસપોર્ટ અને નેશનલ આઈડી કાર્ડ મેળવવા માટે કાયદાકીય પ્રક્રિયા તેજ કરી છે, જેમાં લંડન સ્થિત મેટ્રિક્સ ચેમ્બર્સના બેરિસ્ટર સ્ટીવન પાઉલ્સ કેસીને અધિકૃત પ્રતિનિધિ નિયુક્ત કરી નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈકમિશનનો સંપર્ક કરાયો છે.
લૉકડાઉન દરમિયાન ગોપાલગંજ જિલ્લો હિંસાનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો, જ્યાં પોલીસ સ્ટેશનમાં આગ લગાડાઈ હોવાનું તેમજ બીએનપી સાંસદોના નિવાસસ્થાનો અને ગ્રામીણ બેંકની કચેરીઓમાં તોડફોડ થઈ હોવાનું જણાવાયું છે. ગોપાલગંજ અને મદારીપુર જિલ્લામાં ઢાકા-ખુલના અને ઢાકા-બારિસલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષો કાપીને તથા ટાયરો સળગાવીને રસ્તા બ્લોક કરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો, લાંબા અંતરની બસો રદ કરાઈ હતી અને પશ્ચિમ રેલવેના કાલુખાલી-ગોબરા ખંડ પર ટ્રેન સેવા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી.




