
શહેરના ૩૪ વિસ્તારોમાં કમળાના ૧૨૬ કેસ નોંધાયા.મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો રોગચાળો વકર્યો.આરોગ્ય વિભાગ દોડતું થયું છે : ૨૦ ટીમો બનાવી અને સર્વેની અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી.મધ્ય ગુજરાતના એક નાનકડા શહેરમાં કમળાનો રાફડો ફાટ્યો છે. શહેરમાં ચારેતરફ કમળાના દર્દીઓ વધ્યા છે. ત્યારે શહેરની હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થયો છે. તો સાથે જ લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.
મહીસાગરના બાલાસિનોર શહેરમાં કમળો ફેલાયો છે. બાલાસિનોર શહેરમાં ૩૪ વિસ્તારમાં કમળાના ૧૨૬ કેસ નોંધાયા છે. કમળાના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ૨૦ ટીમો બનાવી અને સર્વેની અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જાેકે, શહેરમાં ફેલાવાનું મોટું કારણ સામે આવ્યું છે. પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થવાના કારણે રોગચાળો ફેલાયો હોવાનું લેબ રિપોર્ટમાં સામે આવ્યું છે. બાલાસિનોર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લેવામાં આવેલ પાણીના સેમ્પલોમાંથી ૧૫ સેમ્પલ અનફીટ જાહેર થયા છે. આ કારણે બાલાસિનોર શહેર કમળાના ભરડામાં આવ્યું છે.
નગરના કીરકીટવાડ, કડિયાવાડ, સાંઈનગર સોસાયટી, નુરેઈલાહી, હુસેનીચોક, ગોલવાડ, પાંચ હાટડીયા, નીલમ સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા ૩ માસમાં ૭૪ જેટલા કમળાના કેસ નોંધાયા છે. આ વિસ્તારોમાં કમળાનો કહેર જાેવા મળ્યો છે. હાલ આ સ્થિતિને નિવારવા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે.
કમળો થવાનું મુખ્ય કારણ ઉભરાતી ગટરોના દૂષિત પાણીથી ગંદકી ફેલાવાના કારણે તેમજ પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈ જવાથી અને બહારનો વાસી ખોરાક ખાવાથી કમળો થઈ શકે છે.
કમળાના રોગથી બચવા હાથ ધોઈને જમવુ, પાણી ઉકાળીને ઠંડું કરીને પીવું, શાકભાજી તેમજ ફ્રૂટ ધોઈને સાફ કરીને ખાવુ તથા બહારનો વાસી અને ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવા જેવી સાવચેતી જરૂરી છે.




