
દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર હાઈકોર્ટે નાબૂદ કર્યો.અંબાજી મંદિરમાં આઠમની પૂજા હવે દરેક ભક્ત કરી શકશે.બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી.ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને કાનૂની વિવાદનો અંત લાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આસો નવરાત્રીની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર રહેશે નહીં. આ પૂજાનો લાભ હવે સામાન્ય ભક્તો પણ લઈ શકશે.બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી.
દાંતા સ્ટેટના રાજવી પરિવારનો દાવો હતો કે, પરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા.ભક્તો માટે સમાનતા: પૂજા કે આરતીમાં કોઈ એક વ્યક્તિ કે પરિવારને અગ્રતા આપવી એ બંધારણીય રીતે યોગ્ય નથી. હવે આ પૂજાનો લાભ કોઈ પણ સામાન્ય વ્યક્તિ લઈ શકશે.આ ર્નિણયને અંબાજી મંદિરના ઇતિહાસમાં ખૂબ મોટો માનવામાં આવે છે. અત્યાર સુધી આઠમની પલ્લી અને વિશેષ પૂજા વખતે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય ગણાતી હતી, પરંતુ હવે મંદિર વહીવટી તંત્ર પોતાની રીતે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરી શકશે.કોર્ટના આ ચુકાદાને કારણે સામાન્ય શ્રદ્ધાળુઓમાં આનંદ જાેવા મળી રહ્યો છે, કારણ કે હવે મંદિરની ધાર્મિક વિધિઓમાં કોઈ ભેદભાવ રહેશે નહીં. આ ચુકાદાથી એ સાબિત થયું છે કે ઈશ્વરના દરબારમાં દરેક વ્યક્તિ સમાન છે અને વહીવટી પ્રક્રિયામાં પણ સમાનતા જળવાવી જાેઈએ.




