
NIRMA TIDE જેવા કોડવર્ડથી ડ્રગ્સ વેચાતાં.સોશિયલ મીડિયા પર NIRMA TIDE જેવા કોડવર્ડથી થતા કાળા કામનો પર્દાફાશ!.અમરોલીમાં જીલ ભુપતભાઇ ઠુમ્મરને ૨૩૬.૭૮૦ ગ્રામ મેફેડ્રોન સાથે પકડી ૭.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયા.સામાન્ય રીતે NIRMA અને TIDE જેવા શબ્દો સાંભળી તમે શું વિચારો? એક સામાન્ય ગુજરાતી માણસ આ શબ્દો સાંભળે એટલે મનમાં એક જ ચિત્ર ઉદ્ભવે કપડા ધોવા માટેનો સાબુ કે પછી ભૂકી પાઉડર! પરંતુ આ સામાન્ય લાગતા શબ્દોથી હાલમાં સુરતમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જે મામલે પોલીસે હાલ અધધ રૂ.૭.૧૦ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે.
વિગતવાર વાત કરીએ તો, સુરત શહેરને નાર્કોટિક્સ મુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા હાલ ખાસ ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત સુરત શહેર SOG હાલ મોટી સફળતા મળી છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી SOG પોલીસે ૨૩૬.૭૮૦ ગ્રામ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો છે. કબ્જે કરાયેલ ડ્રગ્સની બજાર કિંમત રૂ.૭.૧૦ લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, SOG પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીને એક ચોક્કસ બાતમી મળ્યા બાદ SOG ટીમે સુરત શહેરના અમરોલી છાપરાભાઠા રોડ પર ગણેશનગર રો-હાઉસ વિભાગ-૪ના ગેટ સામે જાહેર રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ ઇસમની તપાસ કરતા તેની પાસેથી ૨૩૬.૭૮૦ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવી હતી. ત્યારે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ, ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૨(સી) અને ૨૯ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બાદમાં આ પકડાયેલ આરોપીની ઓળખ જીલ ભુપતભાઇ ઠુમ્મર (ઉંમર ૨૧ વર્ષ) તરીકે થઈ છે. જે હાલ ક્રિષ્ણા પાર્ક સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી ખાતે રહેતો હતો અને મૂળ વતન બામણગઢ, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને ડ્રગ્સ નેટવર્કના અન્ય કડીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ બનાવવામાં આવી છે, ત્યારે તેની હાલ સુધીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, આરોપી જીલ ઠુમ્મર વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ડ્રગ્સનું વેચાણ કરતો હતો. ડ્રગ્સ માટેNIRMA, OG, TIDE, દવા જેવા કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી સામાન્ય લોકો કે પોલીસને શંકા ન જાય.
હાલ આ કેસમાં ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ખુશાલ વલ્લભભાઇ રાણપરીયા, રહે. ક્રિષ્ણા પાર્ક સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી તથા ભરત ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠીયા (રહે. પ્રમુખ પાર્ક સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી) આ ઉપરાંત તપાસમાં જે કોઈ અન્ય ઇસમો સંડોવાયેલા હોવાનું બહાર આવશે, તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આમ સુરત શહેર પોલીસ દ્વારા નશાના દૂષણને નાબૂદ કરવા માટે સતત સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. યુવાધનને નશાથી બચાવવા અને ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા તત્વોને કાયદાની ઝપટમાં લાવવા માટે ર્જીંય્ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આવનારા દિવસોમાં પણ કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે, તેવી માહિતી ડીસીપી રાજદીપ નકુમે આપી છે.




