
SMC ની ઘોર બેદરકારી.ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ.કોન્ટ્રાક્ટરો દ્વારા પાણી અને ગટરની લાઈનો એકબીજાની અત્યંત નજીક અને ઉપર-નીચે નાખવામાં આવી રહી છે.સુરત મહાનગરપાલિકા હંમેશા પોતાની કામગીરી માટે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે પાલિકાના ઈજનેરો અને કોન્ટ્રાક્ટરોએ જે ‘બુદ્ધિનું પ્રદર્શન‘ કર્યું છે, તે જાેઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં કેનાલ રોડTP 54 પાસે પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીએ સ્થાનિક રહીશોનો જીવ તાળવે ચોંટાડી દીધો છે. અહીં કોન્ટ્રાક્ટરો દ્વારા પાણી અને ગટરની લાઈનો એકબીજાની અત્યંત નજીક અને ઉપર-નીચે નાખવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં મોટા રોગચાળાને આમંત્રણ આપી શકે છે.
સામાન્ય રીતે પીવાના પાણીની લાઈન અને ગંદા પાણીની ગટર લાઈન વચ્ચે સુરક્ષિત અંતર હોવું ફરજિયાત છે. પરંતુ ડીંડોલીમાં પાલિકાના ‘લાલિયાવાડી‘ કરતા કોન્ટ્રાક્ટરોએ તમામ નિયમો નેવે મૂકી દીધા છે. અહીં એક નવી ગટર લાઈન નખાઈ રહી છે, તો બીજી તરફ તેની બરાબર ઉપર કે બાજુમાં પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે, પાણીની લાઈન ઉપર ફરી એક ગટરની લાઈન અને તેના પર વધુ એક મોટી પાણીની લાઈન નાખવાનું આયોજન ચાલી રહ્યું છે. આ ૩ પાઈપલાઈનોનું ગૂંચવાડું એવું છે કે કઈ લાઈન ક્યાં જઈ રહી છે તે નક્કી કરવું મુશ્કેલ છે. જાે ભવિષ્યમાં કોઈ લાઈનમાં લીકેજ થાય તો ગટરનું ગંદુ પાણી સીધું પીવાના પાણીમાં ભળી શકે છે, જે ભયંકર રોગચાળો ફેલાવી શકે છે.
તાજેતરમાં જ ગાંધીનગર અને ઈન્દોરમાં દૂષિત પાણીને કારણે કોલેરા અને ઝાડા-ઉલટીના ગંભીર કેસો સામે આવ્યા હતા. છતાં સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ તેમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. સુરતના ડીંડોલીમાં ચાલી રહેલી આ જાેખમી કામગીરી સાબિત કરે છે કે તંત્રને લોકોના સ્વાસ્થ્ય કરતા કોન્ટ્રાક્ટ પૂરો કરવાની વધુ ઉતાવળ છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરોના પાપે ભવિષ્યમાં નિર્દોષ નાગરિકોએ હોસ્પિટલના ધક્કા ખાવાનો વારો આવશે.
પાલિકાની બેદરકારી અહીં જ અટકતી નથી. પાણી અને ગટરની લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડા છેલ્લા ૨ મહિનાથી જેમ છે તેમ ખુલ્લી હાલતમાં છોડી દેવામાં આવ્યા છે. કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અવારનવાર આ ખાડામાં ખાબકી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક રહીશોમાં આ મુદ્દે ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને તેઓ આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માટે ઉગ્ર માંગ કરી રહ્યા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે પાલિકાના કયા ‘હોશિયાર‘ એન્જિનિયરે આવું જાેખમી પ્લાનિંગ મંજૂર કર્યું છે?




