
મુસ્લિમ પરિવારોએ દાનમાં આપી હતી જમીન.વિરાટ રામાયણ મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા શિવલિંગની સ્થાપના.સ્થાપિત કરાયેલ આ શિવલિંગ ૩૩ ફૂટ ઊંચું અને ૩૩ ફૂટની ગોળાઈ ધરાવે છે, તેનું વજન ૨૦૦ મેટ્રિક ટન છે.બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના કૈથવલિયામાં સ્થિત વિરાટ રામાયણ મંદિરમાં ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વિશ્વના સૌથી ઊંચા શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અનેક રાજકીય અને ધાર્મિક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ ભવ્ય કાર્યક્રમની સૌથી ખાસ વાત એ છે કે મંદિરના નિર્માણ માટે મુસ્લિમ સમુદાયના લોકોએ પણ પોતાની જમીન દાનમાં આપી છે, જેના કારણે આ સ્થાપના સર્વધર્મ સમભાવનું પ્રતિક બની છે.
વિરાટ રામાયણ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલું આ શિવલિંગ ૩૩ ફૂટ ઊંચું અને ૩૩ ફૂટની ગોળાઈ ધરાવે છે. તેનું વજન ૨૦૦ મેટ્રિક ટન છે. આ ભવ્ય શિવલિંગનું નિર્માણ તમિલનાડુના મહાબલીપુરમમાં છેલ્લા ૧૦ વર્ષથી મુખ્ય શિલ્પકાર લોકનાથ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
આ પવિત્ર અવસરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી સહિત અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, દેશના ઘણા મઠ-મંદિરોમાંથી પધારેલા સાધુ-સંતો પણ આ ઐતિહાસિક સ્થાપનાના સાક્ષી બન્યા હતા.
આ શિવલિંગની સ્થાપનાથી માત્ર હિન્દુઓ જ નહીં, પરંતુ મુસ્લિમ સમુદાયમાં પણ ખુશીની લહેર છે. મંદિરના નિર્માણ માટે મુસ્લિમ સમુદાયના લોકોએ પણ પોતાની જમીન દાનમાં આપી છે, જે સામાજિક સૌહાર્દ અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઐતિહાસિક મંદિર ૧૨૦ એકરના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલું હશે, જેમાં ૧૨ શિખર અને ૨૨ મંદિરો હશે, જેમાંથી સૌથી ઊંચું શિખર ૨૭૦ ફૂટનું હશે.
શિવલિંગની સ્થાપના માટે કમ્બોડિયાથી ખાસ પ્રકારના ફૂલો મંગાવવામાં આવ્યા હતા અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. પટનાના પ્રસિદ્ધ મહાવીર મંદિરના સચિવ સાયન કુણાલે જણાવ્યું કે સ્થાપના વિધિ માટે હરિદ્વાર અને પટનાથી વિશેષ આચાર્યો અને પુરોહિતોને બોલાવવામાં આવ્યા હતા, જેમણે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવિધાનથી પૂજા સંપન્ન કરાવી.
મંદિરના સચિવે જણાવ્યું કે, ૧૭ જાન્યુઆરીની તારીખનું વિશેષ ધાર્મિક મહત્વ છે, કારણ કે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. ૨૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ મહાબલીપુરમથી નીકળેલું આ વિરાટ શિવલિંગ ૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કૈથવલિયા પહોંચ્યું હતું, અને ત્યારથી તેના દર્શન માટે હજારો ભક્તોની ભીડ ઉમટી રહી છે.




