
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમની વિશેષ ઉપસ્થિતમાં સાણંદનાં લોદરિયાલ ગામે બુથ કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા સાગર રબારી, રાજુભાઈ સોલંકી, યુવા મોરચા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી, ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લી ઘડીએ સાણંદનાં લોદરિયાલ ગામે આયોજન નક્કી થયુ હોવા છતાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુથ કાર્યકર્તા બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ કોઈ જાહેર સભા નહીં પરંતુ બૂથ, તાલુકા અને જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓની સંગઠનાત્મક બેઠક છે. તેમ છતાં, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી એ સાબિત કરે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે જનસમર્થન સતત વધતું જઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ” કહેવત મુજબ આજે ભાજપ સરકાર ગુજરાતમાં પોતાનો અંત નજીક જોઈને હડબડાઈ ગઈ છે. છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર હવે વિદાયના સમયમાં છે અને આ કારણસર આમ આદમી પાર્ટીની બેઠકો રોકવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે અમદાવાદના નિકોલ ખાતે યોજાનારી કાર્યકર્તા બેઠકનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગઈકાલે રાત્રે સ્ટેજ તોડી નાખવામાં આવ્યું, ખુરશીઓ ફેંકી દેવામાં આવી અને પરવાનગી રદ કરવામાં આવી. ભાજપને લાગ્યું હતું કે બેઠક યોજાશે નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડર્યા નહીં અને તમામ અડચણો છતાં બેઠક સફળતાપૂર્વક યોજાઈ. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાફેંકની ઘટના પાછળ પણ ભાજપની સાજિશ બહાર આવી છે. જૂતાફેંક કરનાર વ્યક્તિએ પોતે વિડિયો જાહેર કરીને સ્વીકાર્યું કે ભાજપના એક નેતાએ તેને 50 હજાર રૂપિયા અને દારૂ આપીને આ કામ કરાવ્યું હતું, જેના કારણે ભાજપની પોલ ખુલી ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા ત્રણ મહિનાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને ખોટા કેસોમાં જેલમાં નાખવામાં આવી રહ્યા છે. ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવનાર રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત અનેક નેતાઓ આજે પણ જેલમાં છે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય હતું અને ખેડૂત સુખી હતા, પરંતુ છેલ્લા 30 વર્ષમાં ભાજપે ગુજરાતને ખોખલું બનાવી દીધું છે. આજે ખેડૂત, યુવાન, મહિલા, વેપારી અને ઉદ્યોગપતિ સૌ દુઃખી છે. ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળતો નથી, શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા બગડી ગઈ છે અને યુવાનોને રોજગારના બદલે નશાની દિશામાં ધકેલવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે જો ભાજપે 30 વર્ષમાં ગુજરાતને ખરેખર સુખી બનાવી દીધું હોત, તો આજે આમ આદમી પાર્ટી માટે એટલી મોટી સંખ્યામાં લોકો કેમ એકત્રિત થયા હોત? 2027ની ચૂંટણીમાં જનતા જવાબ આપશે. તેમણે કહ્યું કે જેમ દિલ્હીમાં અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી, તેમ ગુજરાતમાં પણ સત્તા પરિવર્તન નિશ્ચિત છે. અરવિંદ કેજરીવાલે અંતમાં જણાવ્યું કે આ લડાઈ ધર્મયુદ્ધ જેવી છે, જ્યાં એક તરફ સત્તા, પૈસા અને એજન્સીઓ છે અને બીજી તરફ સત્ય અને જનતાની શક્તિ છે. તેમણે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની ધરતી ગુજરાતમાંથી ગુંડારાજ ખતમ કરવા માટે સંકલ્પ લઈને આગળ વધો, કારણ કે સત્યની જીત નિશ્ચિત છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ રાયએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે પરિવર્તનની લહેર ઊભી થઈ છે, તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતની ચારે તરફ નજર કરો તો સત્તામાં ભાજપ છે, પરંતુ કેજરીવાલે ગુજરાતમાં એવા ક્રાંતિવીર કાર્યકર્તાઓ ઊભા કર્યા છે કે જેના કારણે ભાજપ ડરી ગઈ છે. ભાજપને કાર્યકર્તાઓથી, પાર્ટીથી કે ધારાસભ્યોથી ડર લાગતો નથી, પરંતુ આ ક્રાંતિવીરોથી ડર લાગે છે. તેઓ ખુલ્લેઆમ હિંમત કરી શકતા નથી, એટલે અંધારામાં અમારું સ્ટેજ ઉખેડી નાખે છે, ખુરશીઓ તોડે છે. ભાજપના નેતાઓ પાર્ટી પ્લોટના માલિકને ધમકાવતા રહ્યા. તેમને લાગ્યું કે હવે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ પૂરો. પરંતુ જ્યારે તેઓ સૂતા હતા, ત્યારે કેજરીવાલના ક્રાંતિવીર જાગ્યા હતા. રાત્રે ત્રણ વાગે અમારા કાર્યકર્તાઓએ નિકોલથી 50 કિમી દૂર સભાની તૈયારી કરી. આ દર્શાવે છે કે ગુજરાતની ધરતી પર ક્રાંતિવીર જન્મી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીએ એવી તાકાત ઊભી કરી છે કે માત્ર બે કલાકમાં ભાજપની સમગ્ર સત્તા સામે હજારો લોકો છાતી તાણી ઊભા રહી ગયા. હું ભાજપને કહેવા માંગું છું, પાર્ટી તમારી છે, સરકાર તમારી છે, ચલાવો. પરંતુ આ રીતે ખુલ્લેઆમ લોકશાહીની હત્યા ન કરો. આ આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ નથી. દિલ્હીમાં તમે અમારા સાંસદ સંજય સિંહને છ મહિના જેલમાં રાખ્યા, અમારા મંત્રી સત્યેન્દ્ર જૈનને બે વર્ષ, મનિષ સિસોદિયાને બે વર્ષ અને ઇતિહાસમાં પહેલી વખત ચૂંટાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ જેલમાં નાખ્યા. તમે વિચાર્યું કે આમ આદમી પાર્ટી તૂટી જશે? પરંતુ અમે ન ઝૂકવાના છીએ, ન રોકાવાના છીએ, ન ભાગવાના છીએ.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે અને તેથી જ સરકારી તંત્ર, પોલીસ તથા અન્ય વિભાગોનો દુરુપયોગ કરીને પાર્ટીની સભાઓ બંધ કરાવવાનો પ્રયાસ કરે છે. નિકોલ વિસ્તારમાં સભા રોકવા માટે સતત સ્થળ બદલાવા પડ્યા, છતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રાતદિવસ મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી કોઈ મોટા નેતાઓના પરિવારોથી બનેલી પાર્ટી નથી, પરંતુ સામાન્ય પરિવારમાંથી આવેલા લોકોની પાર્ટી છે. સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયેલા સામાન્ય નાગરિકોની વેદનામાંથી આમ આદમી પાર્ટી ઊભી થઈ છે. ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા, યુવાનોને રોજગાર નથી, શાળાઓ અને દવાખાનાઓની હાલત દયનીય છે અને રોડ-રસ્તાની સ્થિતિ જનતાને પરેશાન કરી રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને તાનાશાહી સામે લડવાનું મન બનાવી ચૂકી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર નશામુક્તિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહી છે, જ્યારે ગુજરાતમાં ભાજપના શાસનમાં સમસ્યાઓ વધતી જઈ રહી છે. વધુમાં જણાવ્યું હતું કે તાનાશાહી સત્તા કાયમી નથી રહેતી. ગુજરાતની જનતા હવે બદલાવ ઈચ્છે છે અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને મજબૂત સમર્થન આપી ભાજપને સત્તામાંથી દૂર કરશે. નવો નારો આપતા ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે “ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ અને સમસ્યાને કરો સાફ”
વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આમ આદમી પાર્ટીની સભાથી લોકો જાગૃત થઈ જશે અને સત્તાધારી ભાજપનો ખેલ ખુલ્લો પડી જશે તેવી ભીતિના કારણે ભાજપ દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો. પોલીસ અને અન્ય વિભાગો પર દબાણ કરીને સભા રોકવાની કોશિશ કરવામાં આવી. જો ભાજપ સરકારે છેલ્લા વર્ષોમાં ખરેખર જનતા માટે સારું કામ કર્યું હોત, તો આમ આદમી પાર્ટીની સભાઓ રોકવાની કોશિશ કરવાની જરૂર ન પડત. જનતા સ્વયં સભાઓમાં જોડાઈ રહી છે, જેનાથી સરકાર ગભરાઈ રહી છે અને તાનાશાહી વલણ અપનાવી રહી છે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી કોઈ વ્યક્તિ માટે નહીં પરંતુ સામાન્ય જનતા માટે લડી રહી છે. શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓની હાલત ચિંતાજનક છે. સરકાર મોટા કાર્યક્રમો માટે રાતોરાત વ્યવસ્થા કરી શકે છે, તો પછી સામાન્ય જનતા માટે આવું કામ કેમ નથી થતું?




