
એરપોર્ટ અને AIIMS પાસે જગ્યા ફાઈનલ રાજકોટમાં AIIMS-એરપોર્ટ-અટલ સરોવર નજીક નવા ST બસ સ્ટેશન બનશે ST વિભાગ દ્વારા શહેરમાં ત્રણ નવા આધુનિક ST બસ સ્ટેશન બનાવવા માટે પ્રપોઝલ મૂકવામાં આવ્યો છે
રાજકોટને ગુજરાતની એકમાત્ર AIIMS હોસ્પિટલ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સ્માર્ટ સિટી અટલ સરોવર મળ્યા બાદ હવે શહેરના મુસાફરો માટે વધુ સુવિધાજનક પરિવહન વ્યવસ્થા તૈયાર થવા જઈ રહી છે. ST વિભાગ દ્વારા શહેરમાં ત્રણ નવા આધુનિક ST બસ સ્ટેશન બનાવવા માટે પ્રપોઝલ મૂકવામાં આવ્યો છે.
રાજકોટ ST વિભાગના ડિવિઝનલ એન્જિનિયર અક્ષય મહેતાએ જણાવ્યું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક બનનારા ST બસ સ્ટેશન નું ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડશે.
AIIMS હોસ્પિટલ પાસે પણ બસ સ્ટેશન માટે જગ્યા નક્કી થઈ ગઈ છે.
બંને બસ સ્ટેશન ૫૦૦૦ ચોરસ મીટરમાં નિર્માણ પામશે અને અંદાજે રૂ.૫ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થશે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અટલ સરોવર આસપાસ વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે. ત્યાં પણ ST વિભાગ દ્વારા નવું ST બસ સ્ટેશન બનાવવા માટે જગ્યા માગવામાં આવી છે. જગ્યા મળતાં જ કામ શરૂ કરાશે.
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ-મોરબી-જામનગરના ત્રિકોણને “મિની જાપાન” ગણાવ્યું હતું. આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કામદારોને સરળ પરિવહન મળી રહે તે માટે ST વિભાગ દ્વારા શાપર-વેરાવળ અને મેટોડા GIDC સુધી સ્પેશિયલ બસ સેવા શરૂ કરવાની યોજના બનાવાઈ છે.
પૂર્વ વિભાગીય નિયામક હિમાંશુ જાેશીએ વધુમાં જણાવ્યું કે, કેવડીયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી), સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળો માટે સીધી બસોની ફ્રિકવન્સી વધારવામાં આવશે.
હાલ રાજકોટ ST વિભાગ દ્વારા કુલ ૫૨૫ બસોનું સંચાલન થાય છે. વિભાગીય નિયામક તરીકે હવે મનીષ રાજે ચાર્જ સંભાળી લીધો છે, જ્યારે હિમાંશુ જાેશીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે STસેવા વિકસાવવા માટે જવાબદારી સોંપવામાં આવી છે.




