
જૈશના આતંકીઓ હોવાની શક્યતા ઉધમપુર જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દેતા સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આજે વહેલી સવારથી જ સામસામે ગોળીબાર શરૂ થયો છે.
ઉધમપુરના મજલતા અને જાેફડ-રામનગર વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સેના અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દેતા સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઘેરી લીધા છે. આ આતંકીઓ તે જ જૂથનો ભાગ હોવાનું મનાય છે જે અગાઉ ત્રણની સંખ્યામાં હતા. અહેવાલો મુજબ, ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં આ જૂથનો મુખ્ય આતંકી ઝુબેર અલગ થઈ ગયો હતો અને હવે બાકીના બે આતંકીઓ આ વિસ્તારમાં સક્રિય હોવાની આશંકા છે.
આતંકીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ન જાય તે માટે સુરક્ષા દળોએ અત્યંત સાવચેતી સાથે ઓપરેશન હાથ ધર્યું છે.
સમગ્ર મજલતા વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી છે અને વધારાની ટુકડીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ આ ઓપરેશન પર સીધી નજર રાખી રહ્યા છે.




