
આજે જેન-ઝી કાલે પછીની જનરેશન હિંસા કરશે, તેમને રોકો : સુપ્રીમમાં અરજી આંદોલનકારી યુવાનો સામે બળપ્રયોગ ટાળી તેમને સાંભળવા જાેઇએ : સુપ્રીમ હિંસા સામે હિંસક કાર્યવાહીથી સ્થિતિ કાબુ બહાર જઇ શકે, વાતચીત સૌથી શક્તિશાળી બળ : મુખ્ય ન્યાયાધીશ ૨૦મી જુલાઇએ દિલ્હીના જંતર મંતરેથી સંસદ માર્ચ દરમિયાન યુવાનો પર દિલ્હી પોલીસ દ્વારા બર્બર લાઠીચાર્જ થયો હતો, આ આંદોલનની આગેવાનીમાં સામેલ કોકરોચ જનતા પાર્ટી સામે થયેલી એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એજન્સીઓ, સુરક્ષાદળો માટે મૌખીક ટકોર કરતા કહ્યું છે કે યુવા વિદ્યાર્થી આંદોલનકારીઓ સામે કાર્યવાહી દરમિયાન સાવધાની રાખવામાં આવે, હિંસાને રોકવા માટે હિંસક કાર્યવાહી કરવામાં આવે તો સ્થિતિ વધુ ભડકી શકે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે યુવાનોની વાત સાંભળવાની સલાહ આપી હતી.શિક્ષણમાં સુધારાની માગ સાથે દિલ્હીમાં ૨૦મી જુલાઇના રોજ થયેલા આંદોલનનું આયોજન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેટલાક ગેરમાર્ગે દોરનારાઓ દ્વારા પથ્થરમારો થયો હોવા છતા પણ યુવાનોને શાંત કરવા જાેઇએ, સરકાર કોઇ પણ આક્રામક વલણ અપનાવે તો સ્થિતિ વધુ ખરાબ થઇ શકે અને હિંસા ફેલાઇ શકે. પોલીસના લાઠીચાર્જ અંગે થયેલી અરજીની સાથે આ અરજીને હાલ જાેડી દેવામાં આવી છે. અરજદારના વકીલે એવી દલીલ કરી હતી કે પથ્થરમારો, હિંસામાં સામેલ કોઇ પણ હોય તેની સામે કાર્યવાહી થવી જાેઇએ, ત્રણ વર્ષ પહેલા સિંઘુ બોર્ડર પર ખેડૂતો પહોંચ્યા હતા, આવતી કાલે આલ્ફા, ડેલ્ટા જનરેશન પણ આવી પહોંચશે. તેમને હિંસા આચરતા રોકવા જાેઇએ. બાદમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે પરિસ્થિતિ કાબુ બહાર જતી રોકવાનું કામ પણ પોલીસનું છે, કોઇ પણ ઘટના બને તેમની સાથે શાંતિથી પહોંચી વળવું જાેઇએ. તાકતવર સરકાર તરફથી વધુ આકરુ વલણ અપનાવવાથી પરિસ્થિતિ ખરાબ થઇ શકે, આ યુવાનો છે, તેમને વધુ પડતી સલાહ અને માર્ગદર્શનની જરૂર છે, તેમની સાથે વાતચીત કરવી જાેઇએ. તેમની વાત સાંભળવવામાં આવી રહી છે તે મુદ્દે પણ તેમને વિશ્વાસમાં લેવા જાેઇએ. યુવાનોને સાંભળવા તે હિંસા રોકવા માટેનું સૌથી શક્તિશાળી બળ છે.




