
CM હિમંતાનું મોટું પગલુ.ગૌરવ ગોગોઇ સહિત ૩ નેતાઓ પર ૫૦૦ કરોડનો માનહાનિ કેસ દાખલ.સરમાનો આરોપ છે કે આ નેતાઓએ જમીન સંબંધિત મામલામાં તેમની સામે ખોટા અને દ્વેષપૂર્ણ આરોપો લગાવ્યા છે.આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસના નેતાઓ પર મોટો કાનૂની હુમલો કર્યો છે જેમાં તેમણે ૫૦૦ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. મુખ્યમંત્રીએ આ કેસ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જિતેન્દ્ર સિંહ, ભૂપેશ બઘેલ અને આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈ સામે દાખલ કર્યો છે. સરમાનો આરોપ છે કે આ નેતાઓએ જમીન સંબંધિત મામલામાં તેમની સામે ખોટા અને દ્વેષપૂર્ણ આરોપો લગાવ્યા છે.
ગયા અઠવાડિયે ગૌરવ ગોગોઈએ દાવો કર્યો હતો કે કોંગ્રેસની તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને તેમના પરિવારના સભ્યોએ રાજ્યભરમાં આશરે ૧૨,૦૦૦ વીઘા જમીન પર અતિક્રમણ કર્યું છે. આ આરોપથી આસામમાં રાજકીય ખળભળાટ મચી ગયો.
ગોગોઈના આરોપોના થોડા કલાકો પછી, મુખ્યમંત્રી શર્માએ સ્પષ્ટ કર્યું કે તેઓ પુરાવા વિના લગાવવામાં આવેલા આરોપો સામે માનહાનિનો દાવો દાખલ કરશે. ત્યારબાદ મંગળવારે, તેમણે કોર્ટમાં ૫૦૦ કરોડના નુકસાનની માંગણી માટે દાવો દાખલ કર્યો. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે આજે મેં કોંગ્રેસના નેતાઓ જિતેન્દ્ર સિંહ, ભૂપેશ બઘેલ અને ગૌરવ ગોગોઈ સામે ૫૦૦ કરોડના નુકસાનની માંગણી કરતો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મારા વિરુદ્ધ ખોટા, દ્વેષપૂર્ણ અને બદનક્ષીભર્યા આરોપો લગાવ્યા હતા.
સરમાએ અગાઉ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ ગાંધી પરિવારના ગુલામો દ્વારા કરવામાં આવતા પ્રચાર, બદનક્ષીના પ્રયાસો અથવા રાજકીય નાટકથી ડરશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે હિટ-એન્ડ-રન રાજકારણનો યુગ સમાપ્ત થઈ ગયો છે. જાે તેમની પાસે કોઈ હિંમત કે પુરાવા હોય, તો તેમણે તેને કોર્ટમાં રજૂ કરવા જાેઈએ.
આસામના રાજકારણમાં હિમંતા સરમા અને ગૌરવ ગોગોઈ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે ગૌરવ ગોગોઈ અને તેમની બ્રિટિશ પત્ની, એલિઝાબેથ કોલબર્ન, પાકિસ્તાની નાગરિક અલી તૌકીર શેખ સાથે ગાઢ સંબંધો ધરાવે છે, અને ભય વ્યક્ત કર્યો હતો કે આનાથી સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને લીક થઈ શકે છે.
જાેકે કોંગ્રેસે આ આરોપોનો જવાબ આપતા કહ્યું કે મુખ્યમંત્રી પાસે તેમના દાવાઓને સમર્થન આપવા માટે કોઈ દસ્તાવેજી પુરાવા નથી અને તેમણે પોતાની સમજશક્તિ ગુમાવી દીધી છે.




