
વિજય માલ્યાને હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ.વિજય માલ્યા ભારત આવશે ત્યારે જ સુનાવણી હાથ ધરાશે : કોર્ટ.કોર્ટે કડક શબ્દોમાં માલ્યાને ચેતવણી આપવાની સાથે તેના વકીલને પણ અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.બોમ્બે હાઇકોર્ટમાં આજે (૧૨ ફેબ્રુઆરી) ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધની બે અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન કોર્ટે કડક શબ્દોમાં માલ્યાને ચેતવણી આપવાની સાથે તેના વકીલને પણ અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
બોમ્બે હાઇકોર્ટે ભાગેડુ વિજય માલ્યાને મોટો ઝટકો આપતાં આકરા શબ્દોમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘જ્યારે વિજય માલ્યા ભારત આવશે ત્યારે જ તેના વિરુદ્ધની અરજીઓ પણ સુનાવણી હાથ ધરાશે.
કોઈપણ વ્યક્તિ કાયદાકીય કાર્યવાહીથી બચવાનો પ્રયાસ કરીને ભારતીય કોર્ટ પાસેથી રાહતની આશા ન રાખી શકે.’
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરની બેંચે માલ્યાના વકીલને કહ્યું કે, ‘તમારે પરત આવવું જ પડશે. જાે તમે પરત આવી શકતા નથી, તો અમે આ અરજી પણ સુનાવણી ન કરી શકીએ.’ કોર્ટે માલ્યાને ચેતવણી આપી છે કે, તે દેશની બહાર રહીને કાયદાકીય પ્રક્રિયાનો લાભ ન ઉઠાવી શકે. કોર્ટે માલ્યાને ૧૮ ફેબ્રુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે અને તેના વકીલને કહ્યું છે કે, તે ભારત પરત આવવા તૈયાર છે કે નહીં.
૭૦ વર્ષના લિકર બિઝનેસમેન વિજય માલ્યાએ બોમ્બે હાઇકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. તેણે પ્રથમ અરજીમાં પોતાને ‘ભાગેડુ આર્થિક ગુનેગાર’ જાહેર કરવાના આદેશને પડકાર્યો છે. જ્યારે બીજી અરજીમાં ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, ૨૦૧૮ની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા છે.
કોર્ટે માલ્યાને સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં તેણે માહિતી આપવી પડશે કે, તે ભારત ક્યારે આવી રહ્યો છે. માલ્યાના વકીલ અમિત દેસાઈએ જૂના કેસોના આધાર પર દલીલ કરી છે કે, માલ્યાને શારીરિક તકલીફ હોવાથી તેના વગર પણ સુનાવણી થઈ શકે છે. ત્યારે કોર્ટે તે માનવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીનો વિરોધ કરીને કહ્યું કે, જ્યારે માલ્યાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો, ત્યારે તેણે આ કાયદાને પડકાર ફેંક્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, હાલ અરજીને ફગાવતા નથી, પરંતુ માલ્યાને વધુ એક તક આપી રહ્યા છે. અમે માલ્યા કોર્ટની પ્રક્રિયાથી બચી રહ્યો હોવાનું રૅકોર્ડ પર નોંધી શકીએ છીએ. કોર્ટે તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ હવે આગામી સુનાવણી ૧૮મી ફેબ્રુઆરીએ હાથ ધરવાનો ર્નિણય કર્યો છે.




