
‘અનુપમા’ને લાગ્યો જાેરદાર ઝટકો! TRP રિપોર્ટમાં ધરખમ ફેરફાર: નાગિનનો નશો ઉતર્યાે સ્મૃતિ ઈરાનીનો શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ તેના નવા ટ્વિસ્ટ અને ટર્ન્સને કારણે ૧.૯ રેટિંગ સાથે લિસ્ટમાં પ્રથમ સ્થાને પહોચ્યો.
મુંબઈ: નાના પડદાના દર્શકો જેની આતુરતાથી રાહ જાેતા હોય છે તે TRP રિપોર્ટ જાહેર થઈ ચૂક્યો છે. આ વખતે લિસ્ટમાં એવા ફેરફાર થયા છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક સમયે નંબર વન પર રહેતી સીરિયલો હવે નીચે સરકી રહી છે, જ્યારે નવા અને પ્રયોગાત્મક શો દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે. ખાસ કરીને ‘નાગિન ૭’ જેવા લોકપ્રિય શોને ટોપ-૫ માંથી બહાર થવું પડ્યું છે, જે દર્શકોની બદલાતી પસંદગી તરફ ઈશારો કરે છે. સ્મૃતિ ઈરાનીનો શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ તેના નવા ટ્વિસ્ટ અને ટર્ન્સને કારણે ૧.૯ રેટિંગ સાથે લિસ્ટમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ, લાંબા સમય સુધી TRP ચાર્ટ પર રાજ કરનાર રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ આ વખતે ત્રીજા સ્થાને ધકેલાઈ ગયો છે. જ્યારે બીજા નંબર પર શરદ કેલકરનો શો ‘તુમ સે તુમ તક’ ૧.૮ રેટિંગ સાથે અડીખમ રહ્યો છે.
ટીઆરપીની રેસમાં ત્રીજા સ્થાને પહોંચવું મોટો આંચકો માનવામાં આવે છે. કેમ કે પાછલા ઘણા સમયથી આ શોને પહેલા અને બીજા સ્થાન મળતું હતું. આ અઠવાડિયે ‘ગંગા માઈ કી બેટિયાં’ એ શાનદાર દેખાવ કરતા ૧.૮ રેટિંગ સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. તેવી જ રીતે, લોકપ્રિય શો ‘વસુધા’ એ પણ ૧.૭ રેટિંગ સાથે ટોપ-૫ માં પોતાની જગ્યા બનાવી લીધી છે. સૌથી વધુ ચોંકાવનારા સમાચાર પ્રિયંકા ચાહર ચૌધરીના શો ‘નાગિન ૭’ ના છે. ગત અઠવાડિયે ત્રીજા નંબરે રહેલો આ શો સીધો છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે દર્શકો હવે અલૌકિક વાર્તાઓ કરતા કૌટુંબિક ડ્રામાને વધુ મહત્વ આપી રહ્યા છે.લિસ્ટમાં આગળ વધીએ તો ‘ઉડને કી આશા’ ૧.૫ રેટિંગ સાથે સાતમા નંબરે અને રિયાલિટી શો ‘લાફ્ટર શેફ’ આટલા જ રેટિંગ સાથે આઠમા નંબરે છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની રેટિંગમાં હજુ પણ કોઈ સુધારો જાેવા મળ્યો નથી અને તે ૧.૫ રેટિંગ સાથે નવમા ક્રમે છે. જ્યારે ‘મિસ્ટર અને મિસીસ પરશુરામ‘ ૧.૪ રેટિંગ સાથે દસમા સ્થાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહ્યો છે. આગામી અઠવાડિયે આ લિસ્ટમાં કેવા ફેરફાર થાય છે તે જાેવું રસપ્રદ રહેશે.




