
૨.૮૪ લાખ ખાતા અનફ્રીઝ કરાયા.કોઇપણ વ્યક્તિને ધરપકડ બદલ પોલીસે લેખિતમાં કારણ પૂરા પાડવા ફરજિયાત.બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે હવે ઓનલાઇન અરજી કરી શકાય છે અને ટેલિફોન ઉપર પણ માહિતી મેળવી શકાય છે.પોલીસ દ્વારા કોઇપણ વ્યક્તિની ધરપકડ થાય તો તેના કારણો પોલીસે લેખિતમાં પૂરા પાડવાના રહેશે તેવા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું ગુજરાતમાં ચૂસ્ત અમલ થઇ રહ્યો હોવાનો દાવો ગૃહ વિભાગ દ્વારા વિધાનસભામાં કરાયો છે. કોંગ્રેસના કિરીટ પટેલ દ્વારા કરાયેલા એક સવાલના જવાબમાં ગૃહ વિભાગે આ માહિતી આપી હતી.
જેમાં મિહિર રાજેશ શાહ વિરૂધ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ક્રિમિનલ અપીલ-૨૦૨૫ના એક કેસમાં પોલીસ દ્વારા કરાતી ધરપકડના તમામ કિસ્સામાં ધરપકડ થયેલી વ્યક્તિને ધરપકડના કારણો લેખિતમાં પૂરા પાડવાના રહેશે તેવો સુપ્રીમ કોર્ટે નવેમ્બર-૨૦૨૫માં આદેશ કર્યાે હોવાની બાબત હતી. લેખિતમાં કારણ પૂરા પાડવાના રહેશે અને તેના ભંગ બદલ થયેલી ધરપકડ ગેરકાયદે જાહેર થશે તેવા આદેશનો પણ સમાવેશ થતો હતો તેનાથી સરકાર વાકેફ છે કે નહીં અને ગુજરાતમાં તેના અમલ અંગે જાણકારી માગવામાં આવી હતી. જવાબમાં ગૃહ વિભાગે વધુમાં જણાવ્યું હતું કે તંત્ર તેનાથી વાકેફ છે અને ૧૫-૧૨-૨૦૨૫ના રોજ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી-ગુજરાતને નિયમાનુસાર કાર્યવાહી માટે પત્ર પાઠવાયાના અનુસંધાને તેમની કચેરી દ્વારા આ હુકમનો ચૂસ્તપણે અમલ કરવા સંબંધિત તમામ પોલીસ એકમોને સૂચના પણ આપવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા સાયબર હેલ્પ લાઇન થકી નિર્દાેષ નાગરિકોના ફ્રીઝ કરાયેલા ખાતા અનફ્રીઝ કરવા અંગે એક જવાબમાં માહિતી અપાઇ હતી. જેમાં ૨૦૨૪માં ૨,૪૭,૫૮૭ અને ૨૦૨૫માં ૩૭,૧૯૨ ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે હવે ઓનલાઇન અરજી કરી શકાય છે અને ટેલિફોન ઉપર પણ માહિતી મેળવી શકાય છે.




