
૨૦૩૦ સુધી અમદાવાદમાં ૩૦૦૦ ઈ-બસ દોડશે.કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને લઈ AMC નો ગ્રીન મોબિલિટી પ્લાન!.AMTS અને BRTS માટે ૧૯૬૦ નવી ઈ-બસ.ગ્રીન સિટી અને સ્માર્ટ સિટી તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવતા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ શહેરે હવે જાહેર પરિવહનમાં ગ્રીન મોબિલિટી તરફ મહત્વપૂર્ણ અને વ્યાપક પગલું ભર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ શહેરમાં ઈલેક્ટ્રિક બસોનો વધુમાં વધુ ઉપયોગ થાય અને પર્યાવરણ સુરક્ષા, ઇંધણ બચત તથા નાગરિકોને વધુ સારી સુવિધા આપવા તરફ આગળ વધી નવી બસોને ઓર્ડર આપ્યો છે.
AMC દ્વારા ગ્રીન અમદાવાદ શહેરમાં પરિવહન સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે નવા ઓર્ડર્સ આપવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં કુલ ૫૬૧ ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં AMTS માટે ૩૧૧ બસો અને BRTS માટે ૨૫૦ બસોનો સમાવેશ થાય છે. આ તમામ બસોનું સપ્લાય અને ઓપરેશન વર્ષ ૨૦૨૬ દરમિયાન તબક્કાવાર શરૂ થશે.
આ ઉપરાંત,PM E-DRIVE કાર્યક્રમ અંતર્ગત ૧૦૦૦ ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને અન્ય ૬૬૦ ઈલેક્ટ્રિક બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. ૩૦૦ વધુ ઈલેક્ટ્રિક બસો માટે ટેન્ડર બહાર પાડવાની તૈયારી છે. જેથી આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વર્ષ ૨૦૨૭ સુધીમાં શહેરમાં કુલ ૧૯૬૦ નવી ઈલેક્ટ્રિક બસો ઉમેરાશે.
નોંધનીય છે કે, હાલમાં અમદાવાદ શહેરમાં ૪૦૦ CNG AC બસો કાર્યરત છે અને આ તમામને સાથે રાખીને અમદાવાદમાં કુલ ૩૧૦૦ બસોની ગ્રીન મોબિલિટી ફ્લીટ ઉભી થશે. આગામી પાંચ વર્ષમાં AMTS અને BRTS મળીને કુલ ૨૭૦૦ ઈલેક્ટ્રિક બસોનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. જે જાહેર પરિવહનમાં શહેરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ આપશે.પર્યાવરણની દૃષ્ટિએ આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. અંદાજ મુજબ ૨૦૩૦ સુધીમાં શહેરમાં ૩૦૦૦ જેટલી ઈલેક્ટ્રિક બસો કાર્યરત થતાં દૈનિક આશરે ૩૦૦ ટન અને વાર્ષિક ૧.૧૦ લાખ ટન જેટલો GHG (CO2e) ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ સાથે ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે શહેરના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદરૂપ બનશે.
આર્થિક રીતે પણ ઈલેક્ટ્રિક બસો લાભદાયી સાબિત થઈ રહી છે. ડીઝલ બસોની સરખામણીએ ઈલેક્ટ્રિક બસોમાં ઓછા મિકેનિકલ પાર્ટ્સ હોવાને કારણે મેન્ટેનન્સ ખર્ચ ઓછો રહે છે અને રિપેરિંગ ઝડપી થાય છે, જેના કારણે ઓપરેશનલ કાર્યક્ષમતા વધે છે અને સમયની બચત થાય છે. આમ, નાગરિકોને વધુ આરામદાયક, સ્વચ્છ અને શાંત મુસાફરીનો અનુભવ મળે છે, જે જાહેર પરિવહન પ્રત્યે આકર્ષણ વધારશે. પરિણામે ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો થવાથી ટ્રાફિક અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.




