
ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો મોટો કેસ સામે આવ્યો શેર બજારમાં ઊંચા નફાની લાલચ આપી છેતરપીંડી કરાઈ ફરિયાદી પાસેથી રૂ. ૧૪,૫૫,૦૦૦ની છેતરપીંડી કરવામાં આવી : પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા શહેરમાં ફરી એકવાર ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો મોટો કેસ સામે આવ્યો છે, જેમાં શેર બજારમાં ઊંચા નફાની લાલચ આપી એક ફરિયાદી પાસેથી રૂ. ૧૪,૫૫,૦૦૦ની છેતરપીંડી કરવામાં આવી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.
માહિતી મુજબ, આરોપીઓએ ફરિયાદીને “Mo Prosper X” નામની શંકાસ્પદ ટ્રેડિંગ એપ્લિકેશન મારફતે રોકાણ કરવા પ્રેરિત કર્યો હતો. તેમણે દાવો કર્યો કે આ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરીને ખૂબ જ ઊંચો નફો મેળવી શકાય છે. વિશ્વાસ જીતવા માટે વોટ્સએપ મારફતે બનાવટી વેબસાઇટની લિંક મોકલવામાં આવી અને ફરિયાદીને તેમાં રજીસ્ટ્રેશન કરાવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી. એપ્લિકેશનમાં અલગ-અલગ સ્ટોક અને IPO માં રોકાણ દર્શાવી ખોટા પ્રોફિટના આંકડા બતાવવામાં આવ્યા હતા, જેથી ફરિયાદી વધુ રોકાણ કરવા પ્રેરાય. આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ. ૧૪.૫૫ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
જ્યારે ફરિયાદીએ પોતાના નફા સાથેની રકમ ઉપાડવાની માંગણી કરી ત્યારે આરોપીઓએ વિવિધ ચાર્જના નામે વધુ રૂપિયા માંગ્યા. શંકા થતાં ફરિયાદીએ તપાસ કરતાં આખો ફ્રોડ સામે આવ્યો અને તેમણે તા. ૬ માર્ચ ૨૦૨૬ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો તથા માહિતી ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ એનાલિસિસ, બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ટ્રેલના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી. ટીમે સુરતમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં રાજેશ રૂડાણી (ઉંમર ૫૪, વરાછા), પ્રફુલભાઈ માંડણકા (ઉંમર ૪૦, સરથાણા)નો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન ખુલ્યું કે, રાજેશ રૂડાણીના બેંક એકાઉન્ટમાં ફરિયાદીની રૂ. ૧.૦૫ લાખ રકમ જમા થઈ હતી. આ એકાઉન્ટમાં કુલ રૂ. ૧.૧૨ કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન થયેલા હતા. વધુમાં, આ એકાઉન્ટ સામે દેશભરમાં કુલ ૧૪ ફરિયાદો નોંધાઈ હતી, જેમાં લગભગ રૂ. ૧.૭૯ કરોડની છેતરપીંડી થયેલી હોવાનું સામે આવ્યું છે. આરોપી રાજેશે પોતાનું બેંક એકાઉન્ટ ૧% કમિશન પર બીજા આરોપીને આપ્યું હતું, જ્યારે પ્રફુલભાઈએ આ એકાઉન્ટ ૧.૫% કમિશન પર અન્ય ફરાર આરોપીને ઉપયોગ માટે આપ્યું હોવાનું ખુલ્યું છે.
પોલીસને શંકા છે કે, આ માત્ર એકલદોકલ કેસ નથી, પરંતુ એક મોટું સંગઠિત સાયબર ફ્રોડ રેકેટ કાર્યરત છે, જે દેશભરના લોકો સાથે આવી રીતે છેતરપીંડી કરી રહ્યું છે. હાલ પોલીસ અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ કરી રહી છે. સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને ચેતવણી આપી છે કે, ઓનલાઇન ટ્રેડિંગ, ફોરેક્સ અથવા ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટના નામે મળતી લોભામણી ઓફરોથી દૂર રહેવું. અજાણી લિંક અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલાં ખાતરી કરવી. કોઈપણ અજાણી વ્યક્તિ સાથે નાણાકીય લેવડ-દેવડ કરતાં પહેલાં તપાસ કરવી. સુરત સાયબર ક્રાઇમ સેલની આ કામગીરીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, ડિજિટલ યુગમાં સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા છે.




