
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા દિવસોથી ભાજપની સરકાર એટલી હદે ડરી ગઈ છે કે રોજના પાંચ, ચાર અને દસ જેટલા કેસો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે બે વાગ્યે સુરેન્દ્રનગર, પોરબંદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી અને ગુંડાગીરી કરવામાં આવી હતી. ખંભાળિયા પોલીસે સાંજે પાંચ વાગ્યે કાર્યકર્તાઓ ઉપર ખોટી રીતે એફઆઈઆર નોંધાવી હતી, જ્યારે પરમદિવસે જૂનાગઢમાં પણ એફઆઈઆર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આખા ગુજરાતમાં એફઆઈઆરનો માહોલ સર્જાયો છે, કારણ કે ભાજપ સરકારને ડર લાગી ગયો છે. ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસે ધમકાવી તેમના મોબાઈલમાંથી ચૂંટણી સંબંધિત ડેટા કાઢાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે આજે બપોરે અઢી વાગ્યે ઈસુદાન ગઢવીને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ભાજપ ઓફિસમાંથી આદેશ મળ્યા છે કે આમ આદમી પાર્ટીના તમામ લોકોની અટકાયત કરવાની છે. તેમણે આ ઘટનાને દાદાગીરી અને ગુંડાગીરીની હદ વટાવતી ગણાવી અને જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ગઢવીને બેસાડી રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ઉપરથી ભાજપના આદેશ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નિશાન બનાવવાની યોજના હોવાનું જણાવ્યું. ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની જનતાને અપીલ કરી કે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે અને આવનારી ચૂંટણીમાં આવા તંત્ર સામે જવાબ આપવો જોઈએ. તેમણે લોકોને વિનંતી કરી કે જે કોઈ મિત્રો ખંભાળિયા પહોંચી શકે તેઓ પહોંચે અને આ લડતમાં સાથ આપે.




