
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
કાળા માથાનો માનવી દિવસેને દિવસે વિકૃત અને હત્યારો બની રહ્યો છે. જ્યાં કયારે શું બનશે? અને કોણ ક્યારે શું કરી નાંખશે? એ આ કળીયુગમાં કળવું મુશ્કેલ છે. અને આમ પણ કોના મનમાં શું ચાલી રહ્યું છે? એ કળવાની શક્તિ આપણાંમાં હોતી નથી.
ત્યારે એવો જ એક ધૃણાસ્પદ કિસ્સો આંધપ્રદેશના વિશાખાપટ્ટનમ માં બન્યો છે. જ્યાં ભારતીય નૌસેના ના (INS Dega) ૩૦ વર્ષીય અધિકારી ચિંતડા રવિન્દ્ર એ તેની ૩૧ વર્ષીય પ્રેમિકા પોલિપલ્લી મૌનિકાની નિર્મમ હત્યા કરી તેના શરીરના ટુકડા કરી ફ્રીજમાં છુપાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ડેટિંગ એપ પર શરૂ થઈ હતી પ્રેમકથા પોલીસ તપાસ અનુસાર રવિન્દ્ર અને મૌનિકા વર્ષ ૨૦૨૧ માં “Mingle” નામની ડેટિંગ એપ ધ્વારા સંપર્ક આવ્યા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેઓ વારંવાર મળતા હતા. જો કે વર્ષ ૨૦૨૪માં રવિન્દ્રએ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. જે બાદ બંને વચ્ચે વિખવાદ શરૂ થયો હતો. રવિન્દ્ર નો આરોપ છે કે, મૌનિકાએ તેની પાસેથી ૩.૫ લાખ રૂપિયા લીધા હતા અને તે સતત તેમના સંબંધો વિશે તેની પત્નીને જણાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરતી હતી.
આનાથી કંટાળેલા રવિન્દ્રએ પત્ની તેના પિયર ગઈ હતી ત્યારે આ તકનો લાભ ઉઠાવી બપોરે મૌનિકા ને પોતાના ઘરે બોલાવી હતી. સાંજ સુધીમાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આવેશમાં આવી રવિન્દ્રએ મૌનિકાનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પુરાવા નાશ કરવા માટે તેણે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી છરી મંગાવી અને લાશના ટુકડા કરી નાંખ્યા. તેણે પગ અને થાપાનો ભાગ ટ્રોલી બેગમાં પેક કર્યો, ધડ નો ભાગ ફ્રીજમાં સંતાડયો, જયારે માથું અને હાથ અન્ય સ્થળે લઈ જઈને સળગાવી દીધા હોવાનું મનાય છે.
આ ભયાનક કૃત્ય કર્યા બાદ રવિન્દ્રએ પોતે જ પોલીસ સ્ટેશન જઈને ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફ્રીજ અને ઘરમાંથી લાશના ટુકડા કબજે કર્યા છે. જોકે મૌનિકાનું માથું હજુ મળી આવ્યું નથી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ગુમ થયેલા શરીરના અંગોની શોધખોળ માટે સ્પેશિયલ ટીમ બનાવી છે. આ કેસ ફરી એકવાર આફતાબ પૂનાવાલા ધ્વારા કરવામાં આવેલી. શ્રધ્ધા વાલકરની હત્યાની યાદ અપાવે છે. જે દિલ્હીમાં ખૂબ જ ચકચાર મય બન્યો હતો.




